સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ લોકોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. રાત્રે 9 વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ તમામને પકડીને પોલીસને સોંપ્યા હતા. આ તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળાં વિખેરવા લાઠીચાર્જ કરાયો અને 10થી વધુ ટીયરગેસ છોડાયા હતા.ત્યાર બાદ આ વિસ્તારમાં પોલીસનાં ધાડેધાડાં ઉતારવામાં આવ્યાં હતાં. તેમજ કોમ્બિગ શરૂ કરવામાં આવ્યું હતું.
આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યારસુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલ પર પહોંચી જ્યાં મોડીરાત્રે આરોપીઓએ પથ્થરબાજી કરી હતી. ગણેશ પંડાલ પર પથ્થરબાજી કરવામાં આવી હતી. હાલ પોલીસ કર્મીઓ તહેનાત છે અને શાંતિપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના થઈ હતી. પૂજા અર્ચનામાં પોલીસકર્મીઓ પણ સામેલ થયા હતા. વ્રજ ગાડી પણ તહેનાત કરવામાં આવી છે.
આયોજકોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી આ ઘટના થઈ રહી હતી. પરંતુ આ વખતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેથી લોકોમાં રોષ છે.આ ઘટનાને લઈને રાજ્યનું પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. ગાંધીનગરમાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ IG, SP સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં તહેવારો દરમિયાન અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરાશે. તેમજ તમામ જિલ્લાની શાંતિ સમિતિ સાથે બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે, 16-17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે સુરક્ષાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.