પંચમહાલ જીલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢના મહાકાળી મંદીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કથિત રૂપે મંદીરના દાનમાં આવતી ચાંદીનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની એક અરજી કલોલના એક અરજદાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની તપાસ કે પગલાં ન ભરાતા હાલ અરજદાર દ્વારા આ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે આજે અરજદાર વિરલ ગોસ્વામી અને હાલના ટ્રસ્ટના દાતા ટ્રસ્ટી કૈલાશ ઠાકોરએ સમગ્ર મામલે આજે પંચમહાલ જીલ્લા પોલીસવડાને રૂબરૂમાં મુલાકાત કરી કૌભાંડી ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કરવા રજુઆત કરી હતી. પંચમહાલ જીલ્લા પોલીસવડાએ આગામી ત્રણ દિવસમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાનું અરજદારને આશ્વાસન આપવામાં આવ્યું છે.
આ સમગ્ર મામલો ટ્રસ્ટના દાતા ટ્રસ્ટી કૈલાષભાઇ ઠાકોરના ધ્યાને ત્યારે આવ્યો હતો જ્યારે મંદીરની ચાંદી શુદ્ધ કરવા મેલ્ટીન્ગની પ્રક્રિયામાં આપવા અંગેનો અહેવાલ ટપાલ દ્વારા જાણવા મળ્યો હતો. જ્યારથી આ ટ્રસ્ટ્રી દ્વારા વહીવટ કરવામાં આવે છે ત્યારથી ચાંદીમાં 70 ટકાથી વધુ ઘટ આવવા લાગી હતી. જે અંગે શંકા જતા આ સમગ્ર મામલે દાતા ટ્રસ્ટી દ્વારા તપાસ કરવામાં આવતા કથિત ચાંદી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી હતી.
ત્યારબાદ અરજદાર અને દાતા ટ્રસ્ટી દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરીયાદ નોંધાવવાની ગતિવિધિઓ તેજ કરવામાં આવી હતી. આગામી ત્રણ દિવસમાં પંચમહાલ પોલીસ દ્વારા જો યોગ્ય કાર્યવાહી ન થાય તો સી.આઈ.ડી ક્રાઈમ ગાંધીનગરને રજૂઆત કરી સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે.