કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તેવા કપરા સમયે ડોકટરી સ્ટાફ અને નર્સીગ સ્ટાફની અછત વર્તાય રહી છે તેવા સમયે રાજય સરકારે નર્સીંગ કોલેજના થર્ડ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સેવા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
વિગતો આપતા નર્સીગના સુપ્રિન્ટેન્ડન્ટ સુરેન્દ્ર ત્રિવેદી કહે છે કે, કોરોના કપરા સમયે મર્યાદિત માનવબળ વચ્ચે સુરત શહેરની વનિતા વિશ્રામ નર્સિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૭ જેટલા વિદ્યાર્થીઓ સ્મિમેર હોસ્પિટલમાં તા.૬ઠ્ઠી એપ્રિલે સહાયક સ્ટાફ તરીકે સેવામાં જોડાયા છે. તેઓને ટ્રેનિંગ આપીને કોવિડની ફરજ સોપવામાં આવી છે. તેઓ ઉત્સાહ અને ઉમગથી કાર્ય કરી રહ્યા હોવાનું ત્રિવેદી જણાવે છે.
સ્મિમેરના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી ૨૧ વર્ષની યુવતિ નેહાબેન નાયકાએ જણાવ્યું કે, શરૂઆતમાં જયારે કોવિડ વોર્ડમાં ફરજ બજાવવાની વાત પરિવારજનોને કરી ત્યારે પરિવારનોએ કહ્યું કે, અમારે તને મોતમાં મુખમાં નથી જવા દેવી. ત્યારે મે મમ્મી-પપ્પાને કહ્યું કે, સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે જજુમી રહ્યો છે ત્યારે મારા દેશના લોકોના દુખ દુર કરવા માટે હું પાછીપાની નહી કરૂ.
નેહાબેન કહે છે કે, શરૂઆતમાં કોરોનાનો ડર લાગતો હતો. પરંતુ ધીમે ધીમે હવે ડર લાગતો નથી. કોલેજમાં અમારા પ્રોફેસરોએ અમને માનસિક રીતે તૈયાર કરીને પ્રોત્સાહન પુરૂ પાડયું છે. દર્દી દાખલ થાય છે ત્યારે ખુબ ગભરાયેલા હોય છે. જેથી અમે તેને પરિવારજનોની હુંફ આપીને માનસિક સથીયારો આપીએ છીએ. તમને કશું થવાનું નથી. તમે જલ્દી સ્વસ્થ થઈ જશો.
દર્દીઓને ખાવાનું ખવડાવવાથી લઈને વેન્ટીલેટર, બાયપેપ મુકવું, દર્દીનું ઓકિસજન લેવલ ચેક કરતા રહેવુ, ડોકટરની સલાહ મુજબ દવા આપવી જેવા બધાજ કામનો ટુંકા સમયગાળામાં બહોળો અનુભવ થઈ ચૂકયો છે. જયારે મોટીવયના વડીલો દર્દીઓ આવે છે અમોને માથા પર હાથ મુકીને આશીર્વાદ આપે છે ત્યારે અંદરથી નવા જોમ અને જુસ્સાનું સર્જન થાય છે.