રણુંજા દર્શન કરી પરત ફરતા કાર ડીવાઈડરમાં ઘૂસી, એક પરિવારના ત્રણ લોકોના મૃત્યુ

Webdunia
બુધવાર, 31 જુલાઈ 2024 (14:34 IST)
accident in banaskantha
 ગુજરાતમાં હાઈવે પર પુરપાટ ઝડપે પસાર થતાં વાહનો ગંભીર અકસ્માત સર્જી રહ્યાં છે.વડગામના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે સ્વિફ્ટ કાર ડિવાયઇડર સાથે અથડાતાં ગાડીમાં સવાર પાંચ લોકો પૈકી પતિ-પત્ની સહિત ત્રણના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય બે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 
ટક્કર એટલી જોરદાર હતી કે એરબેગ પણ ખુલી ગઇ
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ મહેસાણાના દેદિયાસણનો સથાર પરિવાર સ્વિફ્ટ કારમાં રણુજા ખાતે બાબા રામદેવપીરના દર્શન કરવા ગયો હતો. ત્યારે આજે પરત ફરતાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે કાર ડિવાઇડરમાં ઘૂસી ગઇ હતી. કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે એરબેગ પણ ખુલી ગઇ હતી. 
 
ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ
આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો પૈકી વિનુભાઈ ચીમનલાલ સુથાર તેમના પત્ની ગીતાબેન વિનુભાઈ સુથાર અને ડ્રાઇવર સંજયભાઈ ચંદુભાઈ સુથારના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વહેલી સવારે થયેલા આ અકસ્માતની જાણ સ્થાનિકોને થતાં ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. તુરંત 108 અને છાપી પોલીસને જાણ કરવામાં હતી. છાપી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Next Article