સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થતાં લોકોને ગરમીમાં રાહત

Webdunia
શુક્રવાર, 5 જૂન 2020 (12:18 IST)
સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સવારે અસહ્ય બફારા વચ્ચે લોકો ત્રાસી ગયા હતા. જ્યારે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું અને વરસાદનું આગમન થયું હતું. રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે અમી છાંટણા થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. રાજકોટના શાપર-વેરાવળમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જસદણ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજુલાના મોટા આગરીયા, નવા આગરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા પંથકમાં માત્ર અડધી કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટ ગ્રામ્ય બાદ શહેરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. અચાનક શહેરમાં કાળા ડિબાંગ વાદળા છવાયા છે. અસહ્ય ઉકળાટ બાદ અચાનક શહેરમાં પવન ફૂંકાવા લાગ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે.ગોંડલ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના ભરૂડી પાસે ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ ભુણાવા ગામે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલના ST ડેપોમાં વૃક્ષ પડતા ત્રણ મોટરસાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ખાંભાના ભાવરડી, નાનુડી, ચતુરી સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો. વરસાદથી બાળકો ન્હાવા માટે અગાસી પર ચડ્યા હતા અને ચહેરા પર ખુશી જોવા મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. ખાંભા સહિત ઇંગોરાળા, નાનુડી, ભાડ, સરકડીયા સહિતના ગામોમાં એડધી કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા રસ્તા પર ગોઢણડૂબ પાણી ભરાયા હતા. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખાંભાના ધાતરવાડી નદીમાં પાણી વહંતુ થઇ ગયું હતું.  ધાતરવાડી નદી નજીક પસાર થતા હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. ગોંડલ શહેરમાં અનેક જગ્યાએ ભારે પવનથી વૃક્ષો અને હોર્ડિંગ્સો ધરાશાયી થયા છે 

સંબંધિત સમાચાર

Next Article