વડોદરામાં રાહત કામગીરી માટે અમદાવાદ અને સુરતથી ટીમો પહોંચી

Webdunia
શુક્રવાર, 30 ઑગસ્ટ 2024 (13:50 IST)
છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે તારાજી થઈ છે, ત્યારે આગામી દિવસોમાં પણ તત્કાળ રાહતની કોઈ સંભાવના નથી.
 
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, ગુજરાતમાં તાજેતરના વરસાદ માટે જવાબદાર સિસ્ટમ કચ્છની ઉપરથી પસાર થઈને પાકિસ્તાનના માર્ગે અરબી સમુદ્રમાં વિખેરાઈ જવાની હતી, પરંતુ હવે તે શુક્રવારે તે અરબી સમુદ્રમાં પ્રવેશશે અને બે દિવસ સક્રિય રહેશે.
 
આ દરમિયાન તે ગુજરાતના દરિયાકિનારથી દૂર તરફનો પ્રવાસ ખેડશે, એટલે રાજ્ય ઉપર વાવાઝોડાનું જોખમ નથી, પરંતુ તેના કારણે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર તથા મોરબીમાં મહત્તમ 75 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
 
સપ્તાહાંત દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ તથા જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
ગુરૂવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા તથા જામનગરનું હવાઈનિરીક્ષણ કર્યું હતું અને જામનગરની મુલાકાત લઈને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. મોરબી પોરબંદર અને વડોદરા માટે મેડિકલની 35 ટીમો મોકલવામાં આવી છે. આ સિવાય ખાનગી તબીબોને પણ સરકારની આરોગ્યલક્ષી કામગીરીમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.
 
સરકારના કહેવા પ્રમાણે, વડોદરાના 34માંથી 33 વિસ્તારમાં પાણીપુરવઠો બહાર કરી દેવામાં આવ્યો છે અને સુપર ક્લૉરિનેશન કરીને જળવિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને પાણીજન્ય રોગચાળો ન ફેલાય. શહેરના દસેક ટકા વિસ્તારમાં ટૅન્કર મારફથ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. શુક્રવારે સમગ્ર વડોદરામાં વીજપુરવઠો પુનઃપ્રસ્થાપિત થઈ જશે, એવું તંત્રનું કહેવું છે.
 
વડોદરામાં આર્મીની ત્રણ, એનડીઆરએફ તથા એસડીઆરએફની સાત ટીમો કાર્યરત છે. ગુરૂવારે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી.
 
આ સિવાય ફૂડપૅકેટ, પાણીની બૉટલો સાથે અમદાવાદ-સુરત મહાનગરપાલિકાના અગ્નિશમન દળોની ટીમો વડોદરા પહોંચી રહી છે. એસએમસી દ્વારા એક લાખ ફૂડ પૅકેટ અને પાણીની બૉટલો મોકલવામાં આવ્યાં છે.
 
સરકારી આંકડા પ્રમાણે, બુધ અને ગુરૂવાર દરમિયાન વડોદરામાં 1271 લોકોને રૅસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જ્યારે 10 હજાર 335ને સ્થળાંતરિત કરાયા છે.

સંબંધિત સમાચાર

Next Article