રાહુલ ગાંધી સામે કેસ કરનાર પૂર્ણેશ મોદીની દિવ, દમણ અને દાદરાનગર હવેલીના પ્રભારી તરીકે નિમણૂંક

Webdunia
શુક્રવાર, 17 નવેમ્બર 2023 (22:33 IST)
Purnesh Modi
 દેશમાં પાંચ રાજ્યોમા વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. બીજી તરફ આવનારા વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજાશે. ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે મોદી સરનેમ કેસમાં માનહાનીનો દાવો કરનાર ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રીને ભાજપ હાઈકમાન્ડે અચાનક મોટી જવાબદારી સોંપી દીધી છે. આજે ભાજપ દ્વારા સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગરહવેલીના પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પુર્ણેશ મોદીને પ્રભારી બનાવવામાં આવ્યા છે જ્યારે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલને સહ પ્રભારી તરીકે નિમવામાં આવ્યાં છે. આ બંને નેતાઓની નિમણૂંકને લઈને રાજકારણમાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે. 
 
મોદી સરનેમ મામલે રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો
અગાઉ મોટાભાગે કેન્દ્ર સાથે સંકળાયેલા નેતાઓની દમણ-દીવ દાદરા નગરહવેલીના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવતી હોવાનું ભાજપના સુત્રો જણાવી રહ્યાં છે. જો કે, આ વખતે દક્ષિણ ગુજરાતના નેતાની સીધી નિમણુંક થતા ભાજપના કાર્યકરો પણ અચંભિત થઈ ગયા છે. પૂર્ણેશ મોદી રાહુલ ગાંધી સામે કેસ કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે મોદી સરનેમ મામલે રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો જેના કારણે રાહુલ ગાંધીને સજા થઈ અને ત્યાર બાદ તેમનું સંસદ સભ્ય પદ ગયું. જો કે, કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીને ફરી રાહુલને સભ્ય પદ મળી ગયુ છે. 
 
પૂર્ણેશ મોદી હાલ સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય છે
પૂર્ણેશ મોદી હાલ સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય છે વ્યવસાયે તેઓ વકીલ છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ પહેલીવાર 2013માં વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા બન્યા હતા. સ્થાનિક ધારાસભ્ય કિશોર વાંકાવાલાના અવસાન બાદ તેમને બીજેપીએ ટિકિટ આપી હતી. બીજી તરફ ઓગસ્ટ 2022માં તેમનું ખાતું છીનવી લેવામાં આવ્યું હતું. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જીતી ગયા. જો કે બીજી વાર તેમને મંત્રી પદ આપવામાં આવ્યું નથી.

સંબંધિત સમાચાર

Next Article