બોલિવૂ઼ડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન અભિનિત ફિલ્મ મહારાજનો ગુજરાતમાં વિવાદ થયો હતો. ફિલ્મ પર સ્ટે આપવા માટે હાઈકોર્ટ સુધી લડાઈ લડવામાં આવી હતી. હાઈકોર્ટે તાજેતરમાં જ ફિલ્મ પરથી સ્ટે હટાવી લીધો હતો અને ફિલ્મ રીલિઝ કરવાનો માર્ગ મોકળો થયો હતો. હવે સુરતમાં મહારાજ ફિલ્મ મુ્દે ફરી વિરોધ શરૂ થયો છે.આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ મહિલાઓ પણ જોડાઈ હતી. વિવિધ બેનરો સાથે રેલી યોજી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સુરત કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે.
વરસાદ વચ્ચે રેલીનું આયોજન
તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિવાદમાં સપડાઈ હતી. હવે આ ફિલ્મને લઈને સુરતમાં પણ વિરોધ સામે આવ્યો છે. સુરતમાં આજે વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. વનિતા વિશ્રામથી વરસાદી માહોલ વચ્ચે કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી, જેમાં સાધુ, સંતો તેમજ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિવિધ બેનરો સાથેની આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદન પત્ર આપીને આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રમુખ વિશ્વેશ્વર આનંદે કહ્યું કે, મહારાજ એ સનાતન ધર્મના પથદર્શક સમાન છે એમના ઉપર જે ફિલ્મ બનાવવામાં આવી છે, તેને લઈને સમગ્ર હિન્દુ સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે. આજે શહેરના અગ્રણી સાધુ, સંતો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ એક પ્રકારે સનાતન ધર્મ સામે એક ભાગ છે. ફિલ્મનો અમે વિરોધ નોંધાવીએ છીએ. વૈષ્ણવ સંપ્રદાયના જગદગુરુ વલ્લભાચાર્ય પણ અમારી સાથે હતા. તેમણે પણ પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ પ્રકારે હિન્દુ ધર્મની લાગણી આહત કરવી એ યોગ્ય નથી.