રાજકોટમાં ત્રણ પિતરાઇ ભાઇ-બહેને કૂવામાં પડતું મૂકી સામૂહિક આપઘાત કરી લીધો

Webdunia
ગુરુવાર, 3 જૂન 2021 (15:06 IST)
રાજકોટના મનહરપુરમાં રહેતા બાંભવા પરિવારનાં ત્રણ પિતરાઇ ભાઇ-બહેને વેજાગામ વાજડીમાં આવેલા કૂવામાં ગઇકાલે પડતું મૂકી સામૂહિક આપઘાત કરી લીધો હતો. બે દિવસ પૂર્વે જ ફગાસ ગામેથી આણું વાળીને પરત પિયર આવેલી યુવતીએ બે પિતરાઇ સાથે આપઘાત કરતાં ચકચાર મચી ગઇ હતી.

આ ઘટનામાં પ્રેમપ્રકરણની પોલીસને શંકા છે. જામનગર રોડ પરના મનહરપુર ઢોળા પાસે રહેતા કવા પબા બાંભવા (ઉં.વ.16), તેની પિતરાઇ બહેન પમી હેમાભાઇ બાંભવા (ઉં.વ.18) અને રેલનગરના સંતોષીનગરમાં રહેતા પિતરાઇ ડાયા પ્રભાતભાઇ બાંભવા (ઉં.વ.17)એ સજોડે આપઘાત કરી લેતાં બાંભવા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પમીને રાતે બે પિતરાઇ ભાઇ ઉઠાવી ગયા હતા અને આખી રાત ત્રણેયે ક્યાં વિતાવી એ તપાસનો વિષય છે.

આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે હેમાભાઇ બાંભવાની પુત્રી પમીના લગ્ન પાંચ વર્ષ પહેલાં કાલાવડના ફગાસ ગામના મેહુલ માટિયા સાથે થયા હતા. પમીને ગુરુવારે સાસરે મૂકવા જવાની હતી. જોકે એ પહેલાં મંગળવારે રાત્રે 12 વાગ્યા પછી પમી તેના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી અને બુધવારે બપોરે વાજડીના કૂવામાંથી પમી અને તેના બે પિતરાઇની લાશ મળી આવી હતી.વેજાગામ વાજડીની સીમમાં કૂવા પાસેથી એક ગ્રામજન પસાર થતા હતા ત્યારે કૂવા પાસે મોબાઇલ અને ત્રણ જોડી ચપ્પલ જોવા મળતાં કશુંક અજુગતું થયાની શંકાએ ગ્રામજન કૂવા પાસે પહોંચ્યા હતા. ગ્રામજન હજુ કોઇને જાણ કરે એ પહેલા જ બિનવારસી હાલતમાં મળેલા મોબાઇલમાં રિંગ વાગી હતી, તે ફોન રિસીવ કરતાં જ મૃતકોની ઓળખ મળી હતી.

સંબંધિત સમાચાર

Next Article