રાજકોટમાં શરૂ કરાયું ભારતનું સૌ પ્રથમ ‘૭ લેયર’ માસ્કનું માસ પ્રોડક્શન, વિદેશોમાં પણ ડિમાન્ડ
બુધવાર, 26 મે 2021 (10:16 IST)
એકે હજારા ગુજરાતી મુશ્કેલીના સમયમાં પણ રસ્તો કાઢી અન્યોને પણ સફળ બનવાની પ્રેરણા પુરી પાડે છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડે છે રાજકોટની મેટોડા જી.આઈ.ડી.સી.માં લાડેક્સ અપિરિયલ નામે ગારમેન્ટ ફેક્ટરી ધરાવતા યુવા ઉદ્યોગ સાહસિક ભાવેશભાઈ બુસા. આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતીઓની આગવી ખૂબી મુજબ ગત વર્ષે કોરોના આવતા સ્પોર્ટ્સ વેર બનાવતી કંપનીને ઓર્ડર મળતા બંધ થયા. આ સમય દરમ્યાન રાજકોટ કલેકટર રેમ્યા મોહને ઉદ્યોગપતિઓને વેન્ટિલેટર, પી.પી.ઈ કીટ તેમજ માસ્કનું ઉત્પાદન કરવા પ્રેરણા પુરી પાડી હતી.
ભાવેશભાઈએ પણ માસ્ક ઉત્પાદન કરવાનું નક્કી કર્યુ. બજારમાં તે સમયે એન -૯૫ માસ્કની માંગ પણ તે મોંધા હોવાથી દરેકને ન પોસાય તે સ્વાભાવિક છે. આથી નક્કી કર્યું કે સોને પરવડે તેવા ભાવે ચીલાચાલુ નહિ પરંતુ ગુણવત્તાસભર અને કંઈક અલગ આપવું. બજારમાં મળતા એન - ૯૫ માસ્કની સામે વધુ ટકાઉ અને સુરક્ષિત માસ્ક બને તે માટે ભાવેશભાઈ અને તેની ટીમે ડબલ ફીલ્ટર્ડ, સેવન લેયર માસ્કની ડિઝાઇન તૈયાર કરી.
જેમાં બેક્ટેરિયા ફીલ્ટર્ડ મટીરીયલ તરીકે મેલ્ટ બ્લોન અને સ્પિન બાઉન્ડેડ લેયર ફાઈવ ઈન વન મટીરીયલ જે માત્ર સમગ્ર ભારતમાં બે જ કંપની બનાવે છે, તેમાંથી જિંન્દાલ કંપનીનું સ્ટાન્ડર્ડ મટીરીયલમાંથી માસ્ક બનાવવાનું નક્કી કર્યું. ઉપરાંત ટ્રિપલ પ્રોટેક્શન માટે આગળ પોલિયેસ્ટર ફેબ્રિક અને અંદર તરફ કોટન લેયર જોડી તેને સેવન લેયરનું બનાવી પાઇટેક્સ બ્રાન્ડ સાથે માસ્કના માસ પ્રોડક્શનનો યજ્ઞ પ્રારંભ કરાયો.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન તેમજ સબસીડીમાં મદદ
કંપની પાસે અત્યાધુનિક ઓટોમેટેડ કટિંગ મશીન સહીત ૫૫ જેટલા જાપાની સિલાઈ મશીન પહેલેથી જ ઉપલબ્ધ હતાં, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માલ મટીરીયલ્સ માટે વધુ મૂડીની જરૂર હોઈ તેઓને લોન લેવાની ફરજ પડી. જેમાં સાથ મળ્યો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો. કેન્દ્ર દ્વારા તેઓને ગુજરાત ઔદ્યોગિક નીતિ - ૨૦૧૫ હેઠળ એમ.એસ.એમ.ઈ ઉદ્યોગને લોન ઉપરાંત કેપિટલ અને ઈન્ટરેસ્ટમાં સબસીડી પણ પુરી પાડવામાં આવે છે.
માસ્કથી મહિલાઓને રોજગારી
સિલાઈ કામમાં ચોકસાઈ અને ખંતથી મહિલાઓની હથરોટી હોઇ ભાવેશભાઈએ આ કામ માટે પણ મહિલા કારીગર પર ભાર મૂકી ફેકટરીમાં કામ કરતી અને અન્ય મળી ૩૦ જેટલી મહિલાઓની ટીમ બનાવી દરેક ને અલગ અલગ ટાસ્ક સોંપવામાં આવ્યું.માસ્કની પ્રોસેસમાં મટીરીયલનું લેયિંગ, ડ્રોઈંગ, કટિંગ,સિલાઈ, બોર્ડર અલગ મટીરીયલ્સમાંથી બનાવવી, તેમાં ઈઅર રબર લગાડવા, લોગો ચોટાડવા, માસ્ક ટેસ્ટિંગ અને પેકીંગ સહિતની કામગીરી આ મહિલા દ્વારા કરવામાં આવે છે.
કોરોનાની ગાઈડલાઈન મુજબ માસ્ક બનાવતી મહિલાઓને પણ માસ્ક ફરજીયાત, સોશિયલ ડિસ્ટન્સ સહીત સ્વચ્છતાનું પાલન કરવાનું. નવી આવતી મહિલાઓને એક માસની ટ્રેનિંગ પણ પગાર સાથે કંપની દ્વાર પુરી પાડવામાં આવે છે તેમ ભાવેશભાઈ જણાવે છે. માસ્ક એડજેસ્ટ કરી પહેરી શકાઈ તે માટે તેમાં બોરિયા ફિટ કરવાની કામગીરી મહિલાઓને ઘરે જોબવર્ક માટે આપવામાં આવે છે. લેબર લો મુજબ વેતન સાથે જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી સાથે ગૃહઉદ્યોગ પણ સંસ્થા દ્વારા પુરો પાડવામાં આવે છે.
મહિલાઓ મૉટે ભાગે સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓને આ કામથી મળતી આવકમાં રોજી રોટી સહીત પરિવારનું ગુજરાન ચલાવવું સરળ બન્યાનું ટીમના હેડ રસીલાબેન સેલરીયા જણાવે છે. તેઓ બહેનોને ટ્રેનિંગ આપવાનું અને માસ્ક ક્વોલિટી ચેક કરવાનું મુખ્ય કાર્ય કરે છે.
ટૂંકા ગાળામાંઆઈ.એસ.ઓ. સ્ટાન્ડર્ડ સાથે માસ્કની ચોક્કસ ગુણવત્તા જાળવી રાખતા પાઇટેક્સ માસ્કની ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ડિમાન્ડ ઉભી થઈ. રોજના ૩૫૦૦ જેટલા માસ્કનું ઉત્પાદન હાલ કંપની દ્વારા કરવામાં આવે છે.માત્ર એટલું જ નહીં સાત સમન્દર પાર અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમજ લંડન ખાતે પણ તેમના માસ્કની ડીમાન્ડ થાય છે. જાણીતી કંપનીઓ દ્વારા તેમના લોગો સાથેના માસ્કની મોટા પાયે ડિમાન્ડને કંપની દ્વારા વિશેષ ધ્યાન આપી તેઓની માંગ મુજબના માસ્ક પુરા પાડવામાં આવે છે.
હાલ સિંગલ યુઝ માસ્કની પણ તેટલીજ ડિમાન્ડ છે જે થ્રિ લેયર માસ્ક તરીકે ઓળખાય છે. જેમાં એડિસન કરી આજ મટીરીયલ સાથે કંપની દ્વારા સિંગલ યુઝ ફોર લેયર માસ્ક અને તે પણ કિફાયતી ભાવે માર્કેટમાં મુકવા પ્રોસેસ ચાલી રહી છે. આ ઉપરાંત બાળકો માટે વિવિધ સાઈઝ અને કલરના માસ્ક માર્કેટમાં મુકવામાં આવ્યા છે.માસ્કના માસ પ્રોડક્શન માટે પ્રોડક્શન મેનેજર ધર્મેન્દ્ર સુદાણી તેમજ માર્કેટિંગ હેડ આશિષભાઇ બુસાનો અનુભવ મદદરૂપ બની રહ્યો છે.
રાજકોટ ખાસ કરીને ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગનું હબ છે. હાલ ત્રણ જી.આઈ.ડી. સી. કાર્યરત છે. હાલમાં જ મુખ્યમંત્રી દ્વારા ખીરસરા ખાતે અન્ય એક જી.આઈ.ડી.સી. તેમજ મેડીકલ ડીવાઈસ પાર્કમંજુરકરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ મેડિકલ ક્ષેત્રે પણ તેમનું કૌશલ્ય દાખવી દેશવિદેશમાં રાજકોટ અને ગુજરાતનો ડંકો વગાડશે તેમ ચોક્કસ કહી શકાય.