વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને કોવિડ-૧૯ શંકાસ્પદ અથવા પ્રભાવિત વ્યક્તિઓને મતદાન માટે મળશે આ સુવિદ્યા

Webdunia
ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (11:02 IST)
ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હીનાં તા.૧૭/૦૯/૨૦૨૦ના જાહેરનામાં અનુસાર ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં મતદારો અને મતદારયાદીનાં ડેટાબેઝમાં શારિરીક અક્ષમ તરીકે નિર્દિષ્ઠ થયેલાં છે તેવાં દિવ્યાંગ મતદારો સામાન્ય અથવા પેટા-ચૂંટણીઓમાં, જો તેઓ વિનંતી કરે તો, ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરી શકશે. તેમજ તા.૧૭/૦૯/૨૦૨૦નાં ભારતના ચૂંટણી પંચના અન્ય જાહેરનામા અનુસાર સક્ષમ સત્તાધિકારી દ્વારા કોવિડ-૧૯ શંકાસ્પદ અથવા પ્રભાવિત હોવાનું પ્રમાણિત કરેલ છે તેવી વ્યક્તિઓ, જો તેઓ વિનંતી કરે તો, આગામી પેટા-ચૂંટણીમાં ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરી શકશે.
 
આ સંદર્ભે ભારત ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર, નિયત નમૂના ફોર્મ-૧ર ડી માં જરૂરી વિગતો સાથે સંબંધિત ચૂંટણીનાં જાહેરનામાની તારીખનાં પ દિવસની  અંદર, ચૂંટણી અધિકારીને અરજી (ફોર્મ-૧૨ ડી)પહોંચાડવાની રહેશે. કોવિડ-૧૯ શંકાસ્પદ/પ્રભાવિત મતદારોએ પોતે હોસ્પિટલાઇઝડ છે કે ઘરે/સંસ્થાકીય રીતે કર્વારન્ટાઇન હેઠળ છે તેની વિગતો દર્શાવતું સક્ષમ આરોગ્ય સત્તાધિકારીનું પ્રમાણપત્ર/સૂચના પોતાની અરજી સાથે સામેલ કરવાના રહેશે.
 
ચૂંટણી અધિકારી દ્વારા આવી અરજીઓ અને વિગતોની જરૂરી ચકાસણી કર્યા બાદ ટપાલ મતપત્ર ઇસ્યુ કરવામાં આવશે. જેઓને ટપાલ મતપત્ર ઇસ્યુ કરવામાં આવેલ હોય તેવા મતદારો મતદાન મથક ખાતે જઇને મતદાન કરી શકશે નહિં.
 
આવા મતદારોની ઘરે મુલાકાત લઇને ટપાલ મતપત્ર મતદાન પ્રક્રિયા અંગે જાણકારી આપવા તથા ટપાલ મતપત્ર આપવા/ એકત્ર કરવા માટે ચૂંટણી અધિકારી દ્વારા મતદાન અધિકારીઓની ટીમોની રચના કરવામાં આવશે. આવી મુલાકાતની તારીખ અને અંદાજિત સમયની જાણ, અરજી નમૂના ફોર્મ-૧૨ ડી માં મતદારનો મોબાઇલ નંબર દર્શાવેલ હોય તો એસ.એમ.એસ.થી અન્યથા ટપાલ/ બી.એલ.ઓ મારફત કરવામાં આવશે. ટપાલ મતપત્ર આપવા/એકત્ર કરવા માટેની મુલાકાતનાં શેડયુઅલની ઉમેદવારોને જાણ કરવામાં આવશે.
 
ટપાલ મતપત્રથી મતદાન પ્રક્રિયા હેઠળ મતદારે પોતાની પસંદગીનાં ઉમેદવાર સામે ચોકડી અથવા ખરાંની નિશાની (cross mark or tick mark) કરવાની રહેશે અને મતદાન કરેલ ટપાલ મતપત્ર ધરાવતું  સીલબંધ નાનું કવર (ફોર્મ-૧૩બી) તથા નિયત નમૂનામાં મતદારનો એકરાર (ફોર્મ-૧૩એ), મોટા કવર (ફોર્મ-૧૩સી) માં મૂકીને સીલબંધ કરવાનું રહેશે. મતદાન અધિકારી એકરારને પ્રમાણિત કરવા માટે અધિકૃત રહેશે. હોસ્પિટલમાં સારવાર હેઠળના કોવિડ-૧૯ અસરગ્રસ્ત વ્યક્તિનાં કિસ્સામાં સારવાર કરનાર મેડીકલ ઓફિસર પણ એકરારને પ્રમાણિત કરવા અધિકૃત ગણાશે. ટપાલ મતપત્ર દ્વારા મતદાન થયા બાદ મોટું સીલબંધ કવર (ફોર્મ-૧૩સી) મતદાન અધિકારી દ્વારા એકત્ર કરી લેવામાં આવશે.
 
ઉપર દર્શાવેલ કક્ષાનાં વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડ-૧૯ શંકાસ્પદ/પ્રભાવિત મતદારોની ટપાલ મતપત્ર મતદાન પ્રક્રિયા તથા પરત એકત્ર કરી લેવાની કામગીરી સંબંધિત મતવિસ્તારની ચૂંટણી માટે મતદાનની નિયત કરેલી તારીખનાં એક દિવસ અગાઉ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article