આતંકી હુમલાની આશંકાને આધારે લોકમેળામાં 24 કલાક કન્ટ્રોલ રૂમ ચાલું રહેશે

Webdunia
મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (15:11 IST)
જન્માષ્ટમી તહેવારને લઇને રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનારા મલ્હાર લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રની 78 અધિકારી તથા 1373 કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે. 22 ઓગસ્ટના રોજ સીએમ વિજય રૂપાણીના હસ્તે લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવશે.

આતંકી હુમલાની શંકાને આધારે મલ્હાર મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા 24 કલાક પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે. 14 માઉન્ટેડ પોલીસ દ્વારા સમગ્ર મેળા ફરતે પેટ્રોલિંગ કરવામાં આવશે. મલ્હાર મેળા બંદોબસ્તની ફાળવણી આ વર્ષે ઇ બંદોબસ્ત દ્વારા કરવામાં આવી છે તેમજ મેળામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મશીનથી હાજરી પૂરવામાં આવશે. તેમજ મેળાના સીસીટીવી કેમેરાને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સાથે જોડીને સુપર વિઝન કરાશે. રાજકોટ શહેરને 4જી એલ.ટી.ઇ.ની જે મંજૂરી મળેલી છે તેનું પ્રથમ વાર ટેસ્ટિંગ મલ્હાર મેળામાં વિદેશી કંપની દ્વારા કરવામાં આવશે.

મેળામાં બાળકો તેમના પરિવારથી છૂટા પડી જતા હોય છે જેના નિવારણ રૂપે પ્રવેશ દ્વાર ખાતે જ બાળકના નામ, સરનામાં સહિતની વિગત આવરી લેતું આઈકાર્ડ બાળકને પહેરવામાં આવશે. ઉપરાંત પિક પોકેટર્સ તેમજ મહિલાઓની સુરક્ષા માટે રાજકોટ પોલીસ દ્વારા અલગ ટીમની રચના કરાઈ છે. મેળાની ફરતે ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા ન ઉદભવે તે માટે શહેર પોલીસ તેમજ મનપા દ્વારા 10 ફ્રી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. તેમજ રેસકોર્સ રિંગ રોડ ફરતે નો પાર્કિંગ જાહેર કરાયું છે. ઉપરાંત લોકમેળાની બહારના રસ્તાઓ ઉપર ટ્રાફીક નિયમન ખાતે 23 અધિકારી તથા 899 કર્મચારી એમ કુલ 922 માણસોનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે.

સંબંધિત સમાચાર

Next Article