ગુજરાતમાં ફરી એક વાર રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની શકે છે. કોંગ્રેસે આ વખતે અમી યાજ્ઞિક અને નારણ રાઠવાને રાજ્યસભાની ટિકિટ આપી છે. રાજ્યસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે. છેલ્લી ઘડીએ જ રાઠવાના ડોક્યુમેન્ટ અધૂરા રહેતા તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું નથી, તેમને પોતાના તમામ ડોક્યુમેન્ટ બપોરે ત્રણ વાગ્યા સુધી જમા કરાવવાના આદેશ અપાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નારણ રાઠવા આજે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે તેમની પાસે કેટલાક ડોક્યુમેન્ટ ન હોવાના કારણે ચૂંટણી પંચે તેમનું ફોર્મ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.
રાઠવાને ફોર્મ ભરવા માટે ત્રણ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જોકે, તે દરમિયાન તેઓ ફોર્મ ન ભરી શકે તો કોંગ્રેસે તેમના બદલે રાજીવ શુક્લાને ગાંધીનગર રવાના કરી દીધા છે. દિલ્હીથી મળતી માહિતી અનુસાર, પક્ષે આ અંગે આદેશ આપતા રાજીવ શુક્લા સંસદમાંથી તાત્કાલિક અમદાવાદ આવવા માટે દિલ્હી એરપોર્ટ જવા રવાના થઈ ગયા હતા. જોકે, હવે તેમાં પણ કમઠાણ એ છે કે, અમદાવાદ એરપોર્ટનો રનવે હાલના દિવસોમાં સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી બંધ રહે છે. તેવામાં રાજીવ શુક્લા પણ ત્રણ વાગ્યા પહેલા ગાંધીનગર પહોંચી શકશે કે કેમ તે અઘરો સવાલ છે.બીજી તરફ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ મામલે જણાવ્યું હતું કે, નારણ રાઠવાના ફોર્મમાં કોઈ સમસ્યા નથી સર્જાઈ. ભાજપ દર વખતે નાના-નાના ટેકનિકલ વાંધાઓ કાઢે છે માટે આ વખતે અમે વધુ ચોક્કસ રહીને ફોર્મ ભરી રહ્યા છીએ. તેમના ફોર્મ સાથે નો ડ્યૂ સર્ટિ જોડવાનું હોવાથી થોડું મોડું થયું છે. રાઠવાની જગ્યાએ રાજીવ શુક્લા ફોર્મ ભરી શકે છે તે વાત માત્ર અફવા છે અને તે ફેલાવવા પાછળ ભાજપનો હાથ છે. કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર તરીકે સૌને આશ્ચર્યમાં મૂકતા અમી યાજ્ઞિકને ટિકિટ આપતા પક્ષમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. અમી યાજ્ઞિકને ટિકિટ આપવાના વિરોધમાં ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે પોતાના ટેકેદારો સાથે રાજીનામાં ધરી દીધા છે. તેમણે અમી યાજ્ઞિકનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, તેઓ ન તો મહિલા કોંગ્રેસ સાથે સંકળાયેલા છે કે ન તેમણે સંગઠનનું કામ કર્યું છે. અમી યાજ્ઞિકે પોતાની સામે થયેલા વિરોધ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેમન આવી કોઈ માહિતી નથી.