કોંગ્રેસે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે કયા ટોચના નેતાને ફટકારી નોટિસ? જાણો વિગત

Webdunia
સોમવાર, 5 માર્ચ 2018 (14:02 IST)
ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ તથા કાર્યકરો સામે આકરાં પગલા લેવાની કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ચિમકી આપી હતી. આ ચિમકીનો અમલ કરીને કોંગ્રેસે અગાઉ 47 કાર્યકરો અને નેતાઓને નોટિસ ફટકારી હતી. હવે કોંગ્રેસ બીજા રાઉન્ડમાં વધુ 14 કાર્યકરોને નોટિસ ફટકારી છે.

આ 14 નેતાઓમાં અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માનો પણ સમાવેશ થાય છે. દિનેશ શર્મા જેવા ટોચના નેતાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ નોટિસ ફટકારાતાં ખળભળાટ મચી ગયો છે. દિનેશ શર્મા સામે બાપુનગરના કોંગ્રેસના ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલે ફરિયાદ કરી હતી. દિનેશ શર્મા પણ બાપુનગર બેઠક માટે દાવેદાર હતા, પણ પક્ષે હિમ્મતસિંહ પટેલને ટિકીટ આપતાં દિનેશ શર્માએ અંદરખાને હિમ્મતસિંહને હરાવ્યાનો આક્ષેપ કરાયો હતો. આ ફરિયાદને ગંભીરતાથી લઈને કોંગ્રેસે દિનેશ શર્માને નોટિસ ફટકારી છે. જોકે, દિનેશ શર્માએ પોતાને આવી કોઈ નોટિસ મળી હોવાનો ઇનકાર કર્યો છે.  કોંગ્રેસે બે જિલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ અને કમલેન્દ્રસિંહ પુવારને પણ નોટિસ આપી છે. જ્યારે સ્થાનિક નેતાઓ કાલિદાસ પરમાર અને પ્રવીણ વાળાને પણ ખુલાસો કરવા નોટિસ આપી છે. આ સિવાય કોંગ્રેસે કાલિદાસ પરમાર-માતર, હર્ષદ વસાવા-નડિયાદ, જયંતિભાઈ વસાવા- નાંદોદ, દિનેશ તડવી- નાંદોદ, કમલેન્દ્રસિંહ પુવાર-બાયડ અને દિનેશ શર્મા-બાપુનગરને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત અમિત નાયક-બાપુનગર, જીમી શર્મા-બાપુનગર, હિરાભાઈ જોટવા-તાલાલા, ગિરીશ ડોડિયા- દસાડા, સુફિયા મલેક-દસાડા, મનુભાઈ પટેલ-વઢવાણ, પ્રવિણ પરમાર, કડી અને પ્રવિણભાઈ વાળા- મહુવા(ભાવનગર)ને નોટિસ ફટકારી છે.

સંબંધિત સમાચાર

Next Article