આશા વર્કરો કોન્ડોમના પેકેટ લઈને કલેક્ટર કચેરીએ પહોંચી. ભભૂકતો રોષ

Webdunia
મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (14:21 IST)
સગર્ભા મહિલાઓની નોંધણી, ડીલીવરી, બાળકોને રશી આપવા સહિત વિવિધ કામગીરી કરતી આશા વર્કરોનું નામ કોન્ડોમ સાથે જોડી દેવાતાં આશા વર્કરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે આશા વર્કરોએ કલેક્ટર કચેરી પ્રાંગણમાં કોન્ડોમના હજારો પેકેટ ઉપરથી આશા નામ કાઢી નાંખવાની પ્રચંડ માંગ સાથે દેખાવો કર્યો હતો. આશા વર્કરોએ કોન્ડોમ ઉપરથી આશા નામ રદ કરો. અમારા નામની જગ્યાએ ભાજપા-કોંગ્રેસના નેતાઓના અથવા આરોગ્ય અમલદારોના નામો લખો. તેવા સુત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી ગજવી દીધી હતી.આશા વર્કરોના અગ્રણી હર્ષાબહેન માંડેએ જણાવ્યું હતું કે, આશા વર્કરો ગત તા.16મીથી સરકાર સામે આંદોલન ચલાવી રહી છે. સરકાર દ્વારા માત્રને માત્ર આશા વર્કરોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. અને આશા વર્કરોનો માત્ર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, હવે આશા વર્કરો જાગૃત થઇ ગઇ છે. જ્યાં સુધી આશા વર્કરોની માંગણીઓ સરકાર દ્વારા સ્વિકારવામાં નહિં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આશા વર્કરો દ્વારા કોન્ડોમનું પણ વિતરણ કરવામાં આવે છે. જે કોન્ડોમ આપવામાં આવ્યા છે. તે કોન્ડોમના પેકેટ ઉપર આશા નામ જોડીને સરકાર દ્વારા મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. આશા વર્કરોનું આર્થિક શોષણ તો થતું જ હતું. સાથે આશા વર્કરોની શારીરીક છેડછાડ પણ થતી હતી. જેમાં સરકારે કોન્ડોમ ઉપર આશા લખીને આશા વર્કરોનું હડહડતુ અપમાન કર્યું છે.

સંબંધિત સમાચાર

Next Article