નવરાત્રીમાં ગરબાના આયોજકોએ પાર્કિંગની કેપેસીટી મુજબ પાસ ઈશ્યુ કરવાના રહેશે

Webdunia
શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (15:01 IST)
જો તમે શહેરની ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં ગરબા રમવા જવાના છો તો વાહનોના પાર્કિંગની તમારે ચિંતા કરવી પડશે, કારણ કે આ વર્ષે પાર્કિંગના મુદ્દે પોલીસનું કડક વલણ હોવાથી દરેક ગરબાના આયોજકને પોલીસે પાર્કિંગની જેટલી વ્યવસ્થા હોય તેટલા જ પાસ વહેંચવા માટે સૂચના આપી છે. પોલીસની મંજૂરી લેતી વખતે આયોજકોને પાર્કિંગ બાબતે ખાસ સૂચના આપવામાં આવી રહી છે. જો પાર્કિંગમાં જગ્યા નહીં હોય અને ખેલૈયાઓ બહાર રોડ પર વાહન પાર્ક કરી ગરબે ઘૂમવા જશે તો ટ્રાફિક પોલીસ તેમનાં વાહન ટોઇંગ કરીને લઈ જશે. નવરાત્રી આડે પાંચ દિવસ બાકી છે ત્યારે રાસ-ગરબાના આયોજનની મંજૂરી માટે હજુ સુધી ખાસ કોઈ અરજીઓ આવી નથી. હજુ સુધી માત્ર રપથી વધુ અરજીઓ પોલીસને મળી છે, જોકે નવરાત્રિના બે દિવસ પહેલાં જ મંજૂરી માટે આયોજકો ભાગદોડ કરતા હોવાથી છેલ્લા દિવસોમાં મંજૂરીનો આંકડો વધે તેવી શક્યતા છે. આ વર્ષે પોલીસ દ્વારા પાર્કિંગને લઇ કડક વલણ અપનાવાતાં હવે ગરબાના આયોજકોએ પાર્કિંગની ક્ષમતા મુજબ જ પાસ વહેંચવાના રહેશે. ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસની બહાર રોડ મુખ્ય રોડ પર એક પણ વાહન પાર્ક કરવા દેવામાં આવશે નહિ. ગરબાના આયોજકોને મંજૂરી આપતા સમયે પોલીસ દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. ગરબાના સ્થળે અને પાર્કિંગમાં ફર‌િજયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં ખેલૈયાઓ, જેમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાની વિશેષ તકેદારી રાખવી પડશે. મહિલા અને પુરુષ બંને સિક્યોરિટી રાખવા પડશે. પાર્કિંગ પૂરું પાડવાની જવાબદારી ગરબા આયોજકોની છે, જેથી આયોજકોએ પાર્કિંગની સ્થિતિ શું છે એની માહિતી આપવી પડશે ત્યારે જ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે. શહેરમાં મોટા ગરબાના આયોજકોએ આ વર્ષે પાર્કિંગને લઈ ગરબા માટે જગ્યા ઓછી રાખવાની ફરજ પડશે. શહેરમાં ઘણા એવા પાર્ટી પ્લોટ આવેલા છે, જેમાં પાર્કિંગની ક્ષમતા ખૂબ જ ઓછી છે, જેના કારણે તેમને આસપાસમાં ખાલી પ્લોટ અથવા અન્ય વૈકલ્પિક જગ્યા ભાડે લેવાની ફરજ પડી છે, જેથી પાસના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે ગરબાની મંજૂરી માટે પાર્કિંગને લઇ બહુ જ ઓછી જગ્યાએ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાય છે, જેના કારણે ચાલુ વર્ષે શેરી ગરબા અને સોસાયટીઓમાં રાસ-ગરબાની રમઝટ વધારે જોવા મળશે. અમદાવાદની રાજપથ અને કર્ણાવતી ક્લબમાં પણ આ વખતે પાર્કિંગના કારણે માત્ર ક્લબના મેમ્બર માટે જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને કોઈ તકલીફ પડે તે રીતે કોઈ કામગીરી નહિ કરે પણ લોકોને તકલીફ પડે તે રીતે રોડ પર આડેધડ પાર્કિંગ કરશે તો તેની સામે ચોક્કસ કાર્યવાહી કરશે. નવરાત્રી દરમ્યાન પોલીસ દ્વારા મોડી રાત સુધી ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે. મહિલા આયોગ દ્વારા પણ નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને ખાસ ધ્યાન આપવાનું જણાવવામાં આવ્યું છે. સ્પેશિયલ બ્રાન્ચના એસીપી એમ.કે. રાણાએ જણાવ્યું હતું કે ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં પાર્કિંગને ધ્યાનમાં રાખીને પાસ વહેંચવા સૂચના અપાઈ છે.

સંબંધિત સમાચાર

Next Article