જસદણમાં મોબાઈલમાં વ્યસ્ત રહેતી પુત્રીને માતાએ ઠપકો આપ્યો, પુત્રીએ એસિડ પીને જીવન ટુંકાવ્યું

Webdunia
સોમવાર, 18 જુલાઈ 2022 (17:19 IST)
રાજકોટ જિલ્લાના જસદણમાં મોબાઈલમાં વ્યસ્ત રહેતી 17 વર્ષની પુત્રીને માતાએ મોબાઈલ મૂકી કામમાં થોડી મદદ કરવા કહ્યું હતું, માતાના આ ઠપકાથી પુત્રીને માઠું લાગતાં ઘરમાં જઈ એસિડ પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે.જસદણના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતી તરુણીને તેની માતાએ કહ્યું હતું કે ઘરકામ પડ્યું છે, પહેલા કામ કર પછી મોબાઈલ જોજે, હમણાં ફોન મૂકી દે. આ બાબતે પુત્રીને માઠું લાગતાં ઘરમાં પડેલું એસિડનું ડબલું લઈ બાથરૂમમાં જઈ પી લીધું હતું. બાદમાં બાથરૂમમાં બેભાન થઈ પડી ગઈ હતી. આથી પરિવારને જાણ થતાં બાથરૂમનો દરવાજો ખોલતાં બેભાન હાલતમાં મળી આવી હતી. તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે પ્રથમ જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આજે સારવાર દરમિયાન તરુણીનું મોત નીપજતાં સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી. બાદમાં જસદણ પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી પરિવારજનોનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બે દીકરા અને એક દીકરીમાં દીકરીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.પાંચ દિવસ પહેલાં ધ્રોલના ખાખરા ગામે દિનુ મહારાજની વાડીમાં પતિ સાથે રહી ખેતમજૂરી કરતી મધ્યપ્રદેશની વતની મમતા દિનેશભાઇ ખરાડી (ઉં.વ.35)એ ઝેરી ચોક ખાઇ લેતાં તેને પડધરી બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેનું સારવારમાં મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે,મમતાના લગ્ન 15 વર્ષ પૂર્વે થયા હતા અને તેને સંતાનમાં ત્રણ પુત્ર છે, પતિ દિનેશ સાથે માથાકૂટ થતાં એ બાબતનું માઠું લાગી આવતાં મહિલાએ પગલું ભરી લીધું હતું

સંબંધિત સમાચાર

Next Article