મોટેરા સ્ટેડિયમ ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માટે નવા શણગાર અને નવીનતમ સુવિધાઓ સાથે સજ્જ

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (23:29 IST)
આગામી 24 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સ્ટેડિયમનું કરાશે ઉદ્ઘાટન
 
હવે મેલબોર્ન નહીં, મોટેરા બન્યું છે વર્લ્ડ નંબરવન. ક્રિકેટ વિશ્વનું સૌથી મોટું અમદાવાદના સાબરમતી ખાતે આવેલું, મોટેરા સ્ટેડિયમ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માટે નવા શણગાર અને નવીનતમ સુવિધાઓ સાથે સજ્જ થયું છે. આગામી 24 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ખાસ ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદ આ સ્ટેડિયમનું વિધિવત ઉદ્ઘાટન કરશે ત્યારે રાજ્ય સહિત દેશભરમાં ઉત્સવનો માહોલ સર્જાશે.
અમદાવાદનું સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ 63 એકર જમીનમાં પથરાયેલું છે, જેમા 1.10 લાખ લોકોની બેસવાની ક્ષમતા છે. વર્તમાનમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્નનું છે. જેમાં એક સાથે 90,000 લોકો બેસી શકે છે. ગુજરાતમાં બનેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' બાદ હવે રાજ્ય ક્રિકેટમાં વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમનો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. અંદાજિત રૂ. 8૦૦  કરોડનાં ખર્ચે નિર્માણ પામેલ આ સ્ટેડિયમની સુંદરતા બેનમૂન છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અત્યંત ટૂંકા ગાળા 5 વર્ષમાં નિર્માણ કરનારી લાર્સન એન્ડ ટુર્બો (એલ એન્ડ ટી) કંપની દ્વારા આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા આ સ્ટેડિયમના પરિસરમાં ૭૬ કોર્પોરેટ બોક્ષ, ઓલિમ્પિક સાઈઝનો સ્વીમીંગ પુલ, ઇન્ડોર એકેડેમી, ખેલાડીઓ માટે ચાર ડ્રેસિંગ રૂમ્સ, ફૂડ કોર્ટ તથા જી.સી.એ. ક્લબ હાઉસ પણ તૈયાર કરાયું છે.
સ્ટેડિયમમાં છ લાલ અને પાંચ  કાળી માટીની કુલ 11 પીચ તૈયાર કરાઈ છે. મુખ્ય અને પ્રેક્ટીસ પીચ માટે બંને પ્રકારની માટીનો ઉપયોગ કરાયો હોય એવું આ  પ્રથમ સ્ટેડિયમ છે. વરસાદની સ્થિતિમાં માત્ર 30 મીનીટમાં જ પીચ સૂકાઈ જાય એવી વ્યવસ્થા છે. અત્યાધુનિક LED ફ્લડલાઈટસ વાતાવરણને ગરમ નહિ કરે અને ક્રિકેટરો સાથે પ્રેક્ષકોને પણ રાહત થશે. આ સ્ટેડિયમની એક નવીન વિશેષતા એ છે કે નવ મીટરની ઊંચાઈનું ૩૬૦ ડિગ્રી પોડિયમ કોનકોર્સ પ્રેક્ષકોની અવરજવરને તો સરળ બનાવે છે જ, સાથે સાથે કોઈ પણ સ્ટેન્ડમાંથી મેચ નિહાળનારને એક સમાન વ્યૂ મળી રહે છે. જે કોર્પોરેટ બોક્ષ તૈયાર કરાયા છે તેમાં પ્રત્યેકની બેઠક ક્ષમતા 25 ની છે. 150 ટનના એરકુલીંગ ટાવર્સ સ્ટેડિયમનો ક્લોઝ ઇન ભાગ સેન્ટ્રલી એરકન્ડીશન્ડ રાખશે. 
 
બંન્ને ટીમના ખેલાડીઓની જરૂરીયાત મુજબ વિશાળ ડ્રેસિંગ રૂમ બનાવવામાં બનાવ્યા છે. બંને ટીમ માટે અલગ અલગ અત્યાધુનિક જિમ બનાવાયા છે. ખેલાડીઓ અને વી.આઈ.પી. પ્રવેશ પાસે ખાસ લોન્જ બનાવવામાં આવી છે. ઓટોગ્રાફ ગેલેરીમા સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલ આઈ.પી.એલ. અને વર્લ્ડ કપની મેચોની ટીમોના ખેલાડીઓના ઓટોગ્રાફવાળા બેટનું કલેક્શન આકર્ષણનું કેન્દ્ર છે. વિશ્વના નામાંકિત ક્રિકેટરોની તસવીરો સાથેનું “હોલ ઓફ ફેમ” સ્ટેડિયમનું એક નજરાણું છે.
 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં મોટેરા સ્ટેડિયમને તોડી પાડવામાં આવ્યું ત્યારે  મોટેરા સ્ટેડિયમની દર્શક ક્ષમતા 54,000 હતી. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નવું અને અત્યાધુનિક અને સંપૂર્ણ સુવિધાયુક્ત સ્ટેડિયમ બનાવવા માટે જાન્યુઆરી, 2018માં નવા સ્ટેડિયમનો પાયો નાખવામાં આવ્યો હતો. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર થયેલું આ સ્ટેડિયમ ગુજરાતની યશકલગીમાં એક વધુ પીંછું  બની રહ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article