મોટેરા સ્ટેડિયમમાં સામાન્ય માણસે ટિકીટના 3 હજાર ચૂકવવા પડશે, સામાન્ય લોકોએ 1 કિમી. દૂર વાહન પાર્ક કરી ચાલતા જવું પડશે, VIP માટે સ્ટેડિયમમાં 1000 કારનું પાર્કિંગ

ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (12:44 IST)
અમદાવાદમાં મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમમાં 9 વર્ષ બાદ 24 ફેબ્રુઆરીથી ટેસ્ટ ક્રિકેટનું પુનરાગમન થઈ રહ્યું છે. અત્યારસુધી 20 હજાર ટિકિટ બુક થઈ ચૂકી છે. જોકે કોમન મેન માટે આ મેચ જોવી મોંઘુંદાટ બનવાનું છે, કારણ કે સૌથી સસ્તી ટિકિટ લે તોપણ પાંચ દિવસની ટેસ્ટ જોવાનો એક વ્યક્તિનો ખર્ચ રૂ.3 હજારથી વધુ થવાનો છે. અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિમમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચ જોવા જનારા પ્રેક્ષકોએ મેચની જેમ વાહન પાર્ક કરવાની ટિકિટ પણ ઓનલાઈન એપથી જ બુક કરાવવી પડશે. ટૂ-વ્હીલર માટે રૂ.30, જ્યારે કાર માટે રૂ.100 પાર્કિંગ ચાર્જ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશને પાર્કિંગ માટે મોટેરા સ્ટેડિયમના 1થી દોઢ કિલોમીટરના વિસ્તારમાં 27 પ્લોટ નક્કી કર્યા છે.

જો તમે વાહન જ્યાં-ત્યાં પાર્ક કર્યું હશે તો પોલીસ ટો કરશે. મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ પર, દરેક પાર્કિંગ પ્લોટની બહાર તેમજ પાર્કિંગથી સ્ટેડિયમ સુધીના રસ્તા પર ટ્રાફિક-પોલીસના 1155 અધિકારી - કર્મચારી તહેનાત રહેશે. સ્ટેડિયમ આસપાસ ક્યાંય પણ આડેધડ પાર્ક કરશો તો પોલીસ વાહન ટો કરી જશે.સ્ટેડિયમના ઉદઘાટન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવવાના છે. ઉદઘાટન પછી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સભા માટે સ્ટેડિયમની પાછળના ભાગે હનુમાનજી મંદિર પાસે ખાસ ડોમની વ્યવસ્થા કરાઈ છે. મહાનુભાવો આવવાના હોવાથી એરપોર્ટથી સ્ટેડિયમ સુધીના રોડના પેચવર્ક, રંગરોગાન સહિતની કામગીરી પણ મ્યુનિ. દ્વારા શરૂ કરવામાં આવી છે. ગત ફેબ્રુઆરીમાં જ ટ્રમ્પના આગમન સમયે મોટેરા ફરતેના તમામ રોડ નવા બનાવવામાં આવ્યા હતા. જોકે હાલ એકપણ રોડ નવો બનાવવામાં નહીં આવ્યો હોવાનો મ્યુનિ.નો દાવો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર