ભરૂચ GIDCમાં સતત બીજા દિવસે પણ આગની ઘટના સામે આવી છે. ભોલાવ GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. આ ભયાનક આગ પર કાબૂ મેળવવા માટે 20થી વધુ ફાયર ફાઇટર્સ પહોંચ્યાં હતાં. વિકરાળ આગ લાગતાં આગના ધુમાડા 5 કિલોમીટર દૂરથી જોવા મળી રહ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઘટનાને પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર, SP સહિતના અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.ભરૂચમાં ભોલાવ GIDCમાં આવેલી નર્મદા પેકેજિંગ કંપનીના ગોડાઉનમાં સવારે 7 વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા માટે ભરૂચ નગરપાલિકા, GNFC, NTPC ઝનોર, આરતી ઇન્ડસ્ટ્રીઝ, અંકલેશ્વર નોટિફાઈડ, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ, દહેજ સહિતના જિલ્લાના 20થી વધુ ફાયરબ્રિગેડનાં ફાયર ટેન્ડરો, લાશ્કરો સાથે ઘટનાસ્થળ પર દોડી આવ્યાં હતાં. આગ એટલી વિકરાળ હતી કે એના ધુમાડા 5 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા.જોકે આ આગ કયા કારણસર લાગી એ જાણી શકાયું નહોતું. આ ભયંકર આગમાં આસપાસમાં રહેલાં વાહનો પણ બળીને ખાખ થઇ ગયાં હતાં, જોકે સદનસીબે કોઇ જાનહાનિના નોંધાઈ ન હતી. આગની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, SP ડો.લીના પાટીલ સહિતના અધિકારીઓએ સ્થળ પર દોડી આવી પરિસ્થિતિને કાબૂ લેવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ભોલાવ GIDCને અડીને અનેક સોસાયટીઓ આવેલી છે. આગને કારણે નજીકમાં રહેતા મકાનમાલિકો અને અન્ય કંપની ગોડાઉન માલિકોના જીવ તાળવે ચોંટયા હતાં