ઉત્તરાયણમાં વાહનચાલકોને પતંગના દોરાથી રક્ષણ માટે વિનામૂલ્યે સેફ્ટીબેલ્ટ વિતરણ ઝુંબેશનો પ્રારંભ

Webdunia
ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (10:35 IST)
ઉત્તરાયણમાં વાહનચાલકોને પતંગના ઘાતક દોરાથી રક્ષણ થાય એ માટે ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ બ્રિજેશ વર્મા દ્વારા તા.૧૨ થી ૧૫ જાન્યુ.દરમિયાન શહેરમાં વિવિધ સ્થળે વિનામૂલ્યે સેફ્ટીબેલ્ટ વિતરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે પ્રથમ દિવસે સવારે અઠવાલાઈન્સ ચોપાટી ટ્રાફિક પોઈન્ટથી અને સાંજે મજૂરાગેટ ચાર રસ્તા., ઉધના વિસ્તારના રોકડીયા હનુમાન ચાર રસ્તા ખાતેથી વિનામૂલ્યે સેફ્ટીબેલ્ટ વિતરણ અને ટ્રાફિક જનજાગૃત્તિ ઝુંબેશનો પ્રારંભ કરી વાહનચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરાયા હતાં.
 
કોરોનાની સત્તાવાર અદ્યતન માર્ગદર્શિકાના પાલન સાથે આયોજિત આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ, ટ્રાફિક અને આર.ટી.ઓ.ના અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
 
અત્રે નોંધનીય છે કે, રોડ અકસ્માતોની સંખ્યા ઘટે અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય એવા શુભ આશયથી ચાર દિવસ ચાલનાર આ ઝુંબેશમાં સુરત શહેરના જુદા જુદા ટ્રાફિક રિજીયનમાં ૧૧:૦૦ વાગ્યાથી દરરોજ સવારે ૧૦.૦૦ થી ૧૨:૦૦ અને સાંજે ૫:૦૦ થી ૭:૦૦ દરમિયાન ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ હેઠળ કુલ ૧૦ હજારથી વધુ સેફ્ટી બેલ્ટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. 
 
જેમાં તા.૧૩મીએ સવારે આર.ટી.ઓ, પાલ-અડાજણ અને સાંજે સ્ટાર બજાર ચાર રસ્તા ખાતે, તા.૧૪મીએ સવારે ભાગળ ચાર રસ્તા અને સાંજે રત્નમાલા, ગજેરા સર્કલ, કતારગામ ખાતે, તા.૧૫મીએ સવારે પોદ્દાર આર્કેડ, વરાછા રોડ ખાતે સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવશે. તેમજ આ સમગ્ર કાર્યક્રમમાં સુરત શહેરની રોડ સેફટી માટે કાર્યરત સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકો હાજર રહેશે.

સંબંધિત સમાચાર

Next Article