રાજ્યભરના લાખો શિક્ષકો અમારો પરિવાર છે. તેમના પડતર પ્રશ્નોના હકારાત્મક ઉકેલ-નિરાકરણ લાવવું એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી સરકારની પ્રાથમિકતા રહી છે. તેમ આજે ગાંધીનગર ખાતે શિક્ષક સંઘના હોદ્દેદારોને સંબોધતા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું.
ગુજરાતમાં શિક્ષણ જગતના પડતર આઠ પ્રશ્નોના તાજેતરમાં સુખદ ઉકેલ બદલ રાજ્યભરના વિવિધ છ શિક્ષકસંઘ વતી ગુજરાત રાજય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું આભાર પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
મંત્રી જીતુભાઇ વાઘાણીએ શિક્ષક સંઘના હોદ્દેદારોને જણાવ્યું હતું કે, તમામને શિક્ષણ આપવું તે આપણી સૌની સંયુક્ત જવાબદારી છે. શિક્ષકોને નિયમાનુસાર મળવાપાત્ર તમામ લાભો આપવા એ અમારી જવાબદારી છે અને તેને સરકારે સુપેરે નિભાવી રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બાળકોના હિતમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પરિવર્તન કરી સુધારા કર્યા છે જેના હકારાત્મક પરિણામ આજે આપણે સૌ અનુભવી રહ્યા છીએ.
મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું હતું કે, શિક્ષકોને પ્રમોશન, ઉચ્ચતર પગાર, એલટીસી, બદલી સહિતના લાભોથી કામ કરવાનો ઉત્સાહ વધે છે. તાજેતરમાં ૩૯ હજાર શિક્ષકોના હિતમાં લેવાયેલા વિવિધ નિર્ણયથી અંદાજે તેમના સાથે જોડાયેલા બે લાખ જેટલા લોકોને તેની હકારાત્મક અસર થઈ છે. આ નિર્ણયના ઠરાવો ટૂંક સમયમાં તૈયાર કરી દેવાશે.
આ પ્રસંગે વિવિધ શિક્ષક સંઘ વતી ઉપસ્થિત હોદ્દેદારોએ શિક્ષણમાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરીને, છેવાડાનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેનો રાજ્યભરના લાખો શિક્ષકો વતી શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીને વિશ્વાસ અપાવ્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘ પ્રમુખ જે પી પટેલ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ દિનેશભાઈ ચૌધરી, શૈલેષ પંચોલી, ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ પ્રમુખ ભરતકુમાર પટેલ (દાઢી), ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારી સંઘ મહામંડળ અજીતસિંહ સુરમા, મહેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ ભાસ્કર પટેલ અને નારાણભાઈ પટેલ, ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ કન્વીનર ડો પાડલીયા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને શિક્ષણ મંત્રીનો આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વના ૮ જેટલાં નિર્ણયો લેવાયા હતા. જેમાં ફિક્સ પગારમાં નિમણૂક પામેલ ગ્રાન્ટેડ શાળાના સહાયક શિક્ષકો/વહીવટી સહાયકો/સાથી સહાયકોની પાંચ વર્ષની સેવાઓ હવે સળંગ ગણવામાં આવશે. પરિણામ આધારિત ગ્રાન્ટની ફાળવણીની નીતિ જૂની પદ્ધતિ પ્રમાણે કરાશે.
વિદ્યાર્થીઓના પરિણામ સુધારવા માટે શિક્ષકો શાળાના સમય પહેલા અને પછીના સમયમાં શિક્ષણ આપશે. માધ્યમિક શાળામાં ત્રણનું મહેકમ હતું ત્યાં એક વધારાના શિક્ષકની ફાળવણી કરવામાં આવશે. શાળાના આચાર્યને એલ.ટી.સી.નો લાભ મળશે તેમજ નોન ટીચીંગ સ્ટાફની ભરતી થશે તથા બઢતી પણ આપવામાં આવશે. એચ.મેટ આચાર્યની ભરતી પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તેમજ સાતમા પગાર પંચના બાકીના હપ્તાની ચૂકવણી સત્વરે કરવામાં આવશે.