UPSCની પરીક્ષામાં સુરતના કાર્તિક જીવાણીએ દેશમાં 8મુ સ્થાન મેળવ્યું, ગુજરાતમાં પ્રથમ ક્રમે

Webdunia
શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (08:56 IST)
સુરતના કાર્તિક જીવાણીએ ત્રણ વખત યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. કાર્તિક જીવાણીએ યુપીએસસીની પરીક્ષામાં આ વખતે દેશભરમાં આઠમો રેન્ક પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. લાંબા વર્ષો બાદ ગુજરાતનો વિદ્યાર્થી ટોપ ટેનમાં ઝળક્યો છે. કાર્તિક જીવાણીએ તમામ તૈયારી સુરતથી કરી હતી તેણે દિલ્હી ક્યાંય જગ્યા કોચિંગ ક્લાસ જોઈન્ટ કર્યા ન હતા પરંતુ ઓનલાઇન ક્લાસીસ કરતો હતો. દિલ્હીના તમામ યુપીએસસીના ઓનલાઇન ક્લાસીસને તે સુરતથી જ જોતો હતો અને તેના આધારે તૈયારીઓ કરતો હતો.

ધોરણ 12 સુધીનો અભ્યાસ તેણે સુરતમાં કર્યો હતો અને ત્યારબાદ તે કોલેજ મુંબઈ ખાતે IIT એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો. કાર્તિક જીવાણી એ 2019માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી જેમાં તે 94મા ક્રમે આવ્યો હતો. ત્યારબાદ ફરી તેણે પરીક્ષા આપી હતી. વર્ષ 2020માં તે 84માં ક્રમે આવ્યો હતો. પરંતુ નસીબ એ પ્રકારે હતું કે બંને વખતે માત્ર એક માર્ક માટે તે IAS થતાં રહી ગયો હતો. તેણે હિંમત હારી નહીં અને સતત પ્રયાસ કરતો રહ્યો અને ત્રીજી વખત તે સમગ્ર દેશની અંદર આઠમો ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કરી દીધું અને તેનું સપનું આઈએએસ બનવાનું પૂર્ણ કર્યું છે.

કાર્તિક જીવાણી રોજ આઠથી દસ કલાકનું વાંચન કરતો હતો. જેમાં તે મહદઅંશે આખી રાત વાંચતો હતો અને સવારે સૂતો હતો આ પ્રકારનું તેનુ સિડ્યુલ હતું. પોતાને મળેલી સફળતા માટે તેણે માતા-પિતાને શ્રેય આપ્યો હતો. વિશેષ કરીને કાર્તિક જીવાણીના કહેવા પ્રમાણે જ્યારે હું આખી રાત વાંચતો હતો ત્યારે મારી સાથે મારી મમ્મી પણ ઘણી વખત જાગતા રહેતા હતા. જ્યારે મને ચા-પાણીની વ્યવસ્થા કરવાની હોય ત્યારે મારી માતા અડધી રાતે પણ મારા માટે ચા બનાવી આપી હતી. અને તેના કારણે જ આજે હું આ પરીક્ષાને પાસ કરીને મારું સપનું પૂર્ણ કરી શક્યો છું.

સંબંધિત સમાચાર

Next Article