ગુજરાતમાં કાળઝાળ ગરમીથી છેલ્લા 20 દિવસમાં 50 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત

Webdunia
શનિવાર, 21 એપ્રિલ 2018 (13:23 IST)
અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થઇ ચૂક્યો છે. હજુ આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની હવામાન ખાતાની આગાહી છે. જેને લઇને હિટ રિલેટેડ કેસોમાં પણ ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ એપ્રિલ માસમાં તા.૧ થી ૧૯ તારીખ સુધીમાં રાજ્યમાં હિટ રિલેટેટ કુલ ૫૭,૩૯૨ કેસો ઇમરજન્સી સેવા ૧૦૮માં નોંધાઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૮,૮૧૫ કેસો સામે આવ્યા છે. જેમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપવાની જરૃરીયાત ઉભી થઇ રહી છે. આજે અમદાવાદમાં ૪૦.૨ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં ૪૦.૮ ડિગ્રી રહ્યું હતું. કુલ ૮ શહેરોનું તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઇ ગયું હતું. આ અસહ્ય ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. સવારે ૯ વાગ્યાથી જ ગરમીની અસર જનજીવન પર વર્તાઇ રહી છે. જેમાં બપોર બાદ તો રોડ, રસ્તા સુમસામ ભાસી રહ્યા હોય તેવા દ્રશ્યો શહેરમાં લગભગ તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. છૂટક મજૂરી કરતા તેમજ ફેરીઓ મારીને જીવનગુજરાત ચલાવતા લોકો માટે હાલના દિવસો કપરા સાબિત થઇ રહ્યા છે. રાજ્યમાં હાલમાં હિટ વેવની સ્થિતિ હોવાથી ગરમીને લગતા વિવિધ કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અશક્તો, વુદ્ધો અને બીમાર વ્યક્તિઓની દયનીય હાલત થઇ જવા પામી છે. પેટનો દુખાવો, ચક્કર આવવા, મુર્છિત થઇ જવું, નસકોરી ફૂટવી, છાતીમાં દુખાવો, ઝાડા-ઉલટી સહિતના કેસો ગરમીને લીધે વધી ગયા છે. તંત્ર દ્વારા તેમજ ઇમરજન્સી સેવા ૧૦૮ દ્વારા જરૃરી એડવાઇઝરી બહાર પાડીને ગરમીમાં શક્ય હોય તો બહાર ન નીકળવા તેમજ પ્રમાણસર અને તાજો ખોરાક ખાવાની સલાહ અપાઇ રહી છે.
 

સંબંધિત સમાચાર

Next Article