કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ હાર્દિક પટેલની આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ

Webdunia
ગુરુવાર, 19 મે 2022 (09:31 IST)
પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. જોકે રાજીનામું આપવા સમયે તેની પંજાબના ચંદીગઢમાં હાજરી હતી અને આ હાજરી ઘણી સૂચક માનવામાં આવે છે. હાર્દિકે રાજીનામું આપતાં પહેલાં રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીને મળવાનો સમય ન મળતાં રાજીનામું ધરી દીધું હતું. એટલું જ નહીં, આજે હાર્દિક પટેલ મોટો ધડાકો કરશે, સવારે 11 વાગે અમદાવાદમાં પત્રકાર પરિષદનું આયોજન છે. જ્યાં તેમનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ શકે છે.
 
ભાજપ પ્રવેશની અટકળોથી રાજકીય ગતિવિધિઓ તેજ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તે સમયે જ હાર્દિક પટેલના રાજીનમા બાદ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. હાર્દિકના ભાજપ પ્રવેશ અંગે ચાલી રહેલી અટકળો અને ગુજરાત ભાજપની ગતિવિધિઓ બાદ હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ આપવા અંગેનો આખરી નિર્ણય ભાજપ હાઇકમાન્ડ કરશે. આ અંગે હાઇકમાન્ડે પણ હાર્દિક અંગેનો રિપોર્ટ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
 
ભાજપના મંથનમાં અલગ અલગ મંતવ્ય
છેલ્લા કેટલાક દિવસથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાશેની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ દરમિયાન હાર્દિકને ભાજપમાં લેવાના મુદ્દે ભાજપની પ્રદેશ ટીમ દ્વારા મંથન કરવામાં આવ્યું હતું. પરંતુ આ મંથનમાં મતમતાંતર થયા હતા. જેમાં કોઈએ હાર્દિક પટેલને ભાજપમાં ના લેવા નો તો કોઈએ લેવા માટેનો મત વ્યક્ત કર્યો હતો. હાર્દિકને ભાજપમાં ન લેવા માટે કહેનારા નેતાઓનો તર્ક હતો કે હાર્દિકે ભાજપને બહુ નુકશાન કર્યું છે, પક્ષના નેતાઓ વિશે એલફેલ ઉચ્ચારણો પણ કર્યા હતા, અને હાર્દિકને ભાજપમાં લેવામાં આવે તો ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા પાટીદાર નેતાઓ અને મતદારો પર અવળી અસર થઈ શકે છે.

સંબંધિત સમાચાર

Next Article