મહિલાએ પોસ્ટકાર્ડ લખી મોદીને કહ્યું મારી રાખડી પાછી મોકલો

Webdunia
મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (12:59 IST)
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે પણ તે બહેનોને કહેતા હોય છે કે તમને કોઈપણ મુશ્કેલી હોય તો મને પત્ર લખીને જણાવજો. આ પરંપરા ઘણાં વર્ષોથી ચાલે છે અને રક્ષાબંધન નિમિત્તે ઘણી દેશની બહેનો તેમને રાખડી પણ મોકલે છે. થરાદ તાલુકાના નાગલાની એક બહેને તેમને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે લખયું છે કે મારી દીકરી ઉપર દુષ્કર્મ થયાને 20 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ થઈ નથી તો મારી રાખડી મને પાછી મોકલાવી દો.

થરાદ તાલુકાના નાગલામાં યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતુ. જે કારણે સોમવારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસસી એસટી એકતા મંચ દ્વારા જિલ્લા પોલીસવડાને રજૂઆત પણ કરવામાં આવી હતી. આ મામલે દુષ્કર્મનો ભોગ બનેલી પિડીતાની માતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યુ હતુ. જેમાં જણાવ્યું હતુ કે, જ્યારે તમે કહ્યું હતુ કે, મારી કોઇ બહેનને તકલીફ હોય તો મને પોસ્ટકાર્ડ લખજો હું તમારો વીરો બેઠો છું. હે વિરા તમે તો દિલ્લીમાં જઇને રાજા બની ગયા. અહી હું તમારી બહેન તમને રાખડી મોકલી હતી.

અહી મારી દીકરી ઉપર બળાત્કાર થયો છે. 20 દિવસ થઇ ગયા હોવા છતાં પિશાચી નરાધમ આરોપીઓની ધરપકડ થતી નથી. તમારી સરકારના ભ્રષ્ટચારી નેતા અને સરકારી અધિકારીઓ આરોપીઓને છાવરી રહ્યા છે. ત્યારે તમે મારી અને દીકરીની રક્ષા કરવામાં ઉણા ઉતર્યા છો. તમારા રાજમાં બહેન દીકરીઓ સલામત નથી. આથી તમને ભાઇ કહેવો યોગ્ય નથી. આથી મારી મોકલેલી રાખડીનો ધાગો મને પરત મોકલશો 48 કલાકમાં ન્યાય મળે નહી તો મારી રક્ષા કવચ રાખડી પરત કરો મારા રખોપા મારા રામ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન પાસેથી રાખડી પાછી માંગવામાં આવી હોય તેવી આ ગુજરાતની પ્રથમ ઘટના છે.
Next Article