અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના સાસરે જઈ પિયરપક્ષના લોકો ધમકી આપતા હતા. એક કિસ્સામાં કંટાળી દંપતીએ આપઘાત કરવાનો વિચાર કરી લીધો હતો જો કે મહિલા હેલ્પલાઇન 181ની તેઓએ મદદ લીધી હતી અને બંને કિસ્સામાં પિયર પક્ષના લોકોને સમજાવ્યા હતા કે દીકરી તેના સાસરે ખુશ છે અને કોઈ હેરાનગતિ નથી તો દબાણ કરવું જોઈએ નહીં. મહિલા હેલ્પલાઇન અભ્યમ 181ને અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો હતો કે તેમને પ્રેમલગ્ન કર્યા છે અને તેમના માતા-પિતા ઘરે આવી માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. પતિ અને પત્નીને આત્મહત્યાનો વિચાર આવે છે જેથી મદદ માંગી હતી.
મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને વાત સાંભળી હતી. મહિલાએ તેમના માતા-પિતા વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ માતા-પિતા તેના સાસરે આવી બંનેને હેરાન પરેશાન કરતા હતા. બંને પતિ પત્ની છે તો હવે તેમને હેરાન ન કરવા મહિલા હેલ્પલાઇને સમજાવ્યા હતા. તેઓ પર કોઈપણ જાતનું દબાણ ન કરી શકો તેમ સમજાવ્યા હતા અને પતિ- પત્નીને કાયદાકીય સમજ આપી હતી. જો કે મહિલાને ફરિયાદ કરવી હોવાથી સોલા પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા. બીજ કિસ્સામાં વેજલપુર વિસ્તારમાં રહેતા દીપાબેન (નામ બદલ્યું છે)ના નાનપણમાં માતાનું અવસાન થઈ રહ્યા હોવાથી તેમના મોટા મમ્મી સાથે રહી મોટા થયા હતા. 1 વર્ષ પહેલાં તેઓએ પાડોશમાં રહેતા યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા હાલમાં તેઓ 8 મહિનાની પ્રેગ્નન્સી છે. અન્ય જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેમના મોટા મમ્મી અવારનવાર ઘરે આવીને ઝઘડો કરતા હતા નાનપણથી મોટી કરી અને હવે પ્રેમલગ્ન કરી અમારી ઈજ્જત ઉછાળી છે કહી ઝઘડો કરતા. ક્યારેક હાથ ચાલકી કરતા હતા. જેથી મહિલા હેલ્પલાઇનની મદદ લેતા ટીમ ત્યાં પહોંચી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે દીપાબેનના મોટા મમ્મીને સમજાવ્યા હતા કે તેઓ સાસરે ખુશ છે અને અત્યારે 8 મહિનાની પ્રેગ્નન્સી છે માટે માનસિક અને શારીરિક ત્રાસ આપવો જોઈએ નહીં. તમારે અફસોસ કરવાની જરૂર નથી. તેઓ ખુશ છે તો ઘરે આવી ધમાલ ન કરવી જોઈએ.