ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંતધારાના કાયદાને રાષ્ટ્રપતિ મંજૂરીની મહોર

Webdunia
મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (09:19 IST)
ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદાને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ મંજૂરી આપી છે. જેના પરિણામે ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ મળશે અને નાગરિકોને શાંતિનો અહેસાસ થશે. 
 
રાજ્યના અશાંત વિસ્તારોમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકતા આ કાયદાના અમલીકરણ થકી સ્થાવર મિલકતની ગેરકાયદેસર તબદીલીઓ પર નિયંત્રણ આવશે અને કાયદેસર માલિકોના હિતસંબંધોનું રક્ષણ થશે. આ અધિનિયમની જોગવાઇઓનો અસરકારક અમલ થાય, અશાંત જાહેર કરેલા વિસ્તારના રહીશોની મિલકતોની સુરક્ષા અને જાળવણી સુનિશ્ચિત થાય, સામાજિક સમરસતા જળવાઇ રહે, વિસ્તારના રહીશોની સુરક્ષા અને સલામતિની ભાવના જળવાઇ રહે તે માટે આ કાયદામાં કેટલીક જોગવાઇઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આ કાયદામાં થયેલા સુધારાથી મિલકતની વ્યાખ્યા વધુ સ્પષ્ટ થઇ છે. 
 
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના કોઇ વિસ્તારમાં હુલ્લડ અથવા ટોળાની હિંસકતાને કારણે તે વિસ્તારમાંની જાહેર વ્યવસ્થાને નોંધપાત્ર ખલેલ પહોંચી હોય તેવા વિસ્તારને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવાની જોગવાઇ કરવામાં આવી છે. તે ઉપરાંત આ સુધારામાં જે તે વિસ્તારમાં એક સમુદાયની વ્યક્તિઓનું ધ્રુવીકરણ થઇ રહ્યું હોય અથવા થવાની શકયતા હોય જેને લીધે તે વિસ્તારમાં રહેતી જુદા જુદા સમુદાયની વ્યક્તિઓનું જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાવાની શકયતા હોય અથવા એક સમુદાયની વ્યક્તિઓના સમૂહમાં અંધાધૂંધી ફેલાવી શાંતિપૂર્વક સુમેળતામાં ખલેલ પહોંચતી હોય તેવા વિસ્તારને તથા તેની આસપાસના ૫૦૦ મીટર સુધીના વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવાની જોગવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આવા વિસ્તારને ચોક્કસ સમય માટે અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે જાહેરનામામાં પ્રસિઘ્ઘ કરવાની જોગવાઇ કરાઇ છે. 
 
કલેકટરના નિર્ણયથી નારાજ થયેલા કોઇપણ નાગરિક રાજય સરકાર સમક્ષ અપીલ કરી શકશે તેવી પણ જોગવાઇ કરવામાં આવી છે. તથા એવા કેસો કે જેમાં અપીલ દાખલ કરવામાં આવેલ ન હોય તે સમયે રાજ્ય સરકાર સ્વમેળે અથવા રાજ્ય સરકારને અરજી મળ્યેથી જે-તે અશાંત વિસ્તારમાં આવેલ મિલકતની તબદીલીના કેસોમાં કરેલ હુકમોને રીવીઝનમાં લઈ કરવામાં આવેલ હુકમની કાયદેસરતા અથવા હુકમ કરવા માટે અપનાવવામાં આવેલ કાર્યરીતીની યથાર્થતા ચકાસી અને તબદીલીથી અસર પામેલ વ્યક્તિઓને સાંભળીને યોગ્ય લાગે તેવા હુકમો કરી શકશે.
 
પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે કાયદાના અસરકારક અમલીકરણ માટે કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કડક સજાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ગુનો સાબિત થાય તો ૩ થી ૫ વર્ષની સજા અને રૂપિયા એક લાખ અથવા મિલકતની જંત્રીની કિંમતના ૧૦ ટકા બે માંથી જે વધુ હોય તેટલા દંડની જોગવાઈ કરવામાં આવી છે. 
 
રાજય સરકાર દ્વારા કાયદાના સુચારૂ અમલ અને દેખરેખ-સલાહ માટે એક દેખરેખ અને સલાહકાર સમિતિની રચના કરવાની જોગવાઇ કરાઇ હોવાનું જણાવી મંત્રીએ ઉમેર્યું કે આ સમિતિએ અશાંત વિસ્તારમાં સમયાંતરે લોકોનું યોગ્ય કલસ્ટર જળવાઇ રહે છે કે કેમ તેની ચકાસણી/મુલ્યાંકન કરવાનું રહેશે તેમજ આ કાયદાના અસરકારક અમલીકરણ માટે સમિતિ રાજ્ય સરકારને સલાહ પણ આપશે. 
 
તેમણે ઉમેર્યું કે, અશાંતધારાની વ્યાખ્યામાં હાલની જોગવાઈમાં અશાંત વિસ્તાર, કમ્યુનિટી, મિલ્કતોનો પુન: વિકાસ, રી-હેબિલિટેશન સ્કીમનો સમાવેશ થતો હતો. હવેથી વ્યાખ્યામાં ઉમેરો કરીને જ્યારે મિલ્કતની તબદીલીની વ્યાખ્યાને વિસ્તૃત કરવામાં આવી છે. જેમાં કોઇ પણ મિલ્કત ઉપરનો રાઇટ, ટાઇટલ અને ઇન્ટરેસ્ટને આવરી લેવાઈ છે. સાથેસાથે બાનાખત, પાવર ઓફ એટર્ની, કોઇ કરારનું પાર્ટ પરફોર્મંસ મેળવી લેવું અથવા એવા કોઇ દસ્તાવેજો ઊભા કરવા કે જે રજિસ્ટર્ડ હોય કે ન હોય કે નોટોરાઇઝ કરેલ હોય કે ન હોય તે તમામ દસ્તાવેજો આ મિલ્કતની તબદીલીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 
 
અગાઉ માત્ર રાયોટ થતાં એ વિસ્તાર જ અશાંત ધારામાં હતો. એટલે કે સરકારને લાગે કે હુલ્લડોને કારણે કોઇ વિસ્તારનો પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ થયેલ છે તો તેને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવતો હતો પરંતુ હવે નવી વ્યાખ્યા મુજબ હવે રાયોટ થવાની શકયતા હોય એ વિસ્તાર, એક સમુદાયની વ્યક્તિઓ ભેગી થયેલ હોય કે ભેગી થવાની શકયતા હોય કે જેના કારણે આ વિસ્તારનું ભૌગોલિક સતુલન બગડતું હોય, એક જ વિસ્તારમાં એક સમુદાયનું અયોગ્ય ક્લસ્ટર ઊભું થતું હોય કે જેના કારણે આ સમુદાયોનું પરસ્પર અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ જોખમાતું હોય અથવા જોખમાય તેવી શકયતા હોય આવા વિસ્તારને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરી શકાશે.
 
તેમણે ઉમેર્યું કે, અગાઉ અશાંત વિસ્તારમાં આવેલ મિલ્કતની તબદિલીને મંજુર કરવા માટે કલેકટરએ બે બાબત જોવાની રહેતી હતી કે: તબદિલી મુકત સંમત્તિ થી થયેલ છે કે કેમ? અને ખરીદનારને વ્યાજબી કિંમત મળેલ છે કે કેમ? પંરતુ હવે નવી જોગવાઈ અનુસાર આ બન્ને મુદ્દાઓની સાથે સાથે કલેકટરશ્રી એ પણ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તબદિલી માટે ઉપર જે દસ્તાવેજો જણાવેલ છે તે પૈકીના કોઇ દસ્તાવેજથી થયેલ છે કે કેમ? તથા તબદિલીથી કોઇ સમુદાયનું ધ્રુવીકરણ થાય છે કે કેમ? અને થવાની શકયતા છે કે કેમ? તે ચકાસવાનું રહેશે. 
 
એ જ રીતે અગાઉ જ્યારે જમીનની તબદિલીને કલેકટર ગેરકાયદેસર હોવાનો નિર્ણય કરે ત્યારે તે મિલ્કત મૂળ માલિક્ને પરત કરવાની રહે છે અને મૂળ માલિકે તબદિલી માટે જે અવેજ સ્વીકાર્યો હોય તે ખરીદનારને પરત ચુકવવાનો રહે છે. આ નવી જોગવાઈ અનુસાર ગેરકાયદેસર ઠરેલ તબદિલી બાબતે મૂળ માલિકને જમીન પરત કરવી અને મૂળ માલિકે ખરીદનારને અવેજ પરત કરવો. આ બાબતો જો છ માસમાં પૂર્ણ કરવામાં ન આવે તો તે મિલ્કતનો કબજો કલેકટર હસ્તક વહીવટમાં લેવાનો રહે છે. અને તે મિલ્કતને કલેકટર યોગ્ય શરતો સાથે નિકાલ કરશે. 
 
આ ઉપરાંત સરકારની રી-હેબિલિટેશન સ્કીમ હેઠળ મળેલ મિલ્કતો જો અશાંત વિસ્તારમાં આવેલ હોય તો તેને આ કાયદાની જોગવાઇઓમાંથી મુકત રાખવામાં આવેલ છે. આ ઉપરાંત, સરકારી રી-હેબિલિટેશન સ્કીમમાં આવેલ મિલ્કતોમાં વિસ્થાપિતોને જ્યારે મિલ્કતો ફાળવવામાં આવે ત્યારે તેવી મિલ્કતો પણ આ ધારામાંથી મુકત કરવામાં આવી છે.
 
આ ઉપરાંત નવી જોગવાઈઓ અનુસાર અશાંત વિસ્તારમાં આવેલ કોઇ મિલ્કતનો મિલ્કત ધારક પુન:વિકાસ કરવા ઇચ્છે તો જો પુન:વિકાસ તેના પોતાના ઉપયોગ માટે કરવાનો હોય ત્યારે પણ કલેકટરની પરવાનગી મેળવવાની રહેશે નહિ. જે કેસમાં કલેકટરના હુકમ સામે અપીલ કરવામાં આવેલ ન હોય તેવા હુકમોને રાજય સરકાર સ્વ-મેળે અથવા કોઇની અરજીના આધારે રિવિઝનમાં લઇ શકશે અને પક્ષકારોને સાંભળી યોગ્ય તે નિર્ણય કરી શકશે. 
 
પરવાનગી સિવાય કરેલ તબદિલીઓ બદલ સજા અને દંડની જોગવાઇ કરવામાં આવેલ છે. જેમાં ત્રણથી પાંચ વર્ષ સુધીની સજા અને રૂપિયા એક લાખ અથવા જંત્રીની ૧૦% કિંમત બે માંથી જે વધુ હોય તેટલો દંડ આ ગુનાને કોગ્નીજેબલ ઓફેન્સ (પોલીસ અધિકારનો ગુનો) ગણવાનો રહેશે તેવી જોગવાઇ કરેલ છે. 
 
રાજ્યના કોઇ ચોક્કસ વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવા અંગે નિર્ણય લેવા માટે મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવશે. જેમાં પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સંબંધિત કલેકટરશ્રી, પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશ્નર એમ ત્રણ સભ્યોનો સમાવેશ કરતી કમિટીની રચના કરવામાં આવશે. 
 
જયારે પોલીસ કમિશ્નરેટ સિવાયના બાકીના વિસ્તારમાં કલેકટર, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અને રીજીયોનલ મ્યુનિસિપલ કમિશનર આ કમિટીના સભ્ય તરીકે રહેશે. રાજ્યના કોઈ વિસ્તારને અશાંતધારા વિસ્તાર જાહેર કરતાં પહેલાં રાજ્ય સરકારને આ કમિટી અભિપ્રાય આપશે તથા એક્ટ નીચે રચાનાર મોનીટરીંગ એન્ડ એડવાઈઝરી કમીટીને તેના કાર્યોમાં મદદ કરશે.
 
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ હતું કે, સદરહુ અધિનિયમના અમલીકરણ માટે એમ પણ જણાયું છે કે અશાંત ધારાને વિફળ બનાવવા માટે, વ્યક્તિઓ સ્થાવર મિલકતની તબદીલીની વિવિધ રીતો અપનાવે છે અને તેથી, એક બાજુ, ‘તબદીલી’ એ શબ્દની વ્યાખ્યા વિસ્તારવામાં આવી છે અને બીજી બાજુ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧;  ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯; ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ જેવા બીજા રાજ્ય અધિનિયમો અને ભારતનો રજિસ્ટ્રેશન અધિનિયમ, ૧૯૦૮-માં પણ જરૂરી એવા તમામ સુધારાઓ કરેલ છે.

સંબંધિત સમાચાર

Next Article