જાણો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન કોને કેવી રીતે પ્રવેશ મળશે

બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (12:32 IST)
કોરોના કોરોના સંક્રમણ વચ્ચે સોમવારથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે કોવિડ-19 પ્રોટોકોલ મુજબ સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનિટાઇઝેશન માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. જેના કારણે પ્રથમવાર એવું બનશે કે ધારાસભ્યોને ગૃહમાં પોતાની જગ્યા છોડીને પ્રેક્ષક ગેલેરીમાં બેસવું પડશે. મંત્રીઓ સહિત 92 સિનિયર ધારાસભ્યો ગૃહમાં પોતાની જગ્યાએ બેસી શકશે. તેમની બેંચ વચ્ચે પણ ડિસ્ટન્સ રખાશે જ્યારે 79 ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં ડિસ્ટન્સીંગ સાથે બેસાડાશે. મુખ્યમંત્રીથી લઇને તમામ મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ અને પત્રકારોને પણ કોરોના ટેસ્ટ કર્યા બાદ જ વિધાનસભામાં પ્રવેશ અપાશે. સલામતી રક્ષકોના પણ ફરજિયાત કોરોના ટેસ્ટ કરવા પડશે. આ વખતે વિધાનસભામાં પ્રેક્ષકો અને મુલાકાતીઓ માટે પ્રવેશ પ્રતિબંધિત કરાયો છે. ધારાસભ્યોની સાથે તેમના પીએ કે ડ્રાઇવર પણ વિધાનસભામાં પ્રવેશી શકશે નહીં. ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ટેસ્ટ કરાવીને આવી શકશે જ્યારે વિધાનસભામાં પણ સામૂહિક ટેસ્ટીંગ માટે સુવિધા રાખવામાં આવી છે. 18મીએ વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. આ વખતે પ્રથમવાર બે શ્રેષ્ઠ ધારાસભ્યોને એવોર્ડ પણ અપાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર