સરકારે જાહેર કરી નવી હોમ સ્ટે પોલીસી, પ્રોપર્ટી ટેકસ અને વીજદરમાં મળશે રાહત

શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (13:34 IST)
ગુજરાતમાં હોમ–સ્ટે પોલીસીની ૨૦૧૪થી ૧૯ સુધી બનાવવામાં આવી હતી. આ પોલીસીમાં સુધારા–વધારા માટે લાંબા સમયથી પેન્ડિંગ હતો. આ મુદે મુખ્યમંત્રી–પ્રવાસન મંત્રાલય વચ્ચે ત્રણેક જેટલી બેઠકો કરવામાં આવી હતી. જેમાં હોમ–સ્ટે પોલીસીમાં ગ્રામિણ ધરોહરને આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
 
ગુજરાતમાં ૨૦૧૪–૨૦૧૯ હોમ–સ્ટે પોલીસી છે તેમાં વધુ સરળીકરણની સાથે આવતા દિવસોમાં ગુજરાતના ગ્રામિણ જીવન સંસ્કૃતિના ઇતિહાસ અને ધરોહરને માણવા આવતા વિદેશી મહેમાનોને સ્વચ્છ, સલામત અને સુંદર સગવડ ઉપલબ્ધ કરાવવાના હેતુસર હોમ–સ્ટે પોલીસીમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. પરિણામે ગ્રામિણ રોજગારીની સાથે ટુરિઝમ અને હોટેલ ઈન્ડસ્ટ્રીઝને ખીલવાની વધુ તક સાંપડશે.
 
ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ  જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને ભલી ભાંતી પરિચિત કરાવવાનો ઉદ્દેશ આ હોમ સ્ટે પોલિસીથી પાર પડશે. ગુજરાતનું ગ્રામીણ જીવન સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા- જોવા આવતા વિદેશના અને ભારતના અન્ય રાજ્યોના પ્રવાસીઓને પોષાય તેવા દરે, સ્વચ્છ સુવિધાયુક્ત આવાસ સગવડ  આ હોમ સ્ટે પોલીસી અન્વયે મળશે.
 
જૂની પોલીસી કરાયો સુધારો
– ૧ થી ૬ રૂમ સુધીના આવાસો અને પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા વ્યક્તિઓ હોમ સ્ટે  તરીકે પોતાના આવાસ આપી શકશે.
 
– આવા હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલું વીજ દરના લાભ મળશે.
 
– ગુજરાત પ્રવાસન નિગમમાં રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ આપી સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરાશે.
 
– ગુજરાતભરમાં ૧૦૦ જેટલા હોમ સ્ટે  કાર્યરત છે તેમાં હવે નવા હોમ સ્ટેનો ઉમેરો થશે.
 
– ગ્રામીણ રોજગારીની  સાથે ટુરિઝમ એન્ડ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો ખીલશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર