ગુજરાત સરકાર વિવિધ હેતુ માટે દર વર્ષે હજારો-કરોડોનું નવું દેવું કરે છે. ૨૦૨૦-૨૧ના વર્ષમાં પણ સરકાર રૂ. ૪૬,૫૦૧ કરોડનું દેવું કરશે. તેથી વર્ષાન્તે રાજ્યનું કુલ દેવું વધીને રૂ. ૨,૯૪,૨૬૮ કરોડને આંબી જશે. આમ, ગુજરાત સરકાર ૨૦૨૦-૨૧માં માસિક ૩૮૭૫ કરોડ અને દૈનિક રૂ. ૪૬૫ કરોડનું નવું દેવું કરશે. સરકારની માહિતી પ્રમાણે ૨૦૨૦-૨૧માં સરકારને કુલ ૨૩,૮૭૧ કરોડનું વ્યાજ ચૂકવવું પડશે. અર્થાત્ સરકાર માસિક ૧૯૮૯ કરોડ અને દૈનિક રૂ. ૬૫.૪ કરોડ વ્યાજ પેટે ચૂકવશે. રાજ્ય સરકાર વિકાસના નામે જે નવું દેવું રૂ. ૪૬,૫૧૦ કરોડનું દેવું કરવાની છે. એમાંથી જ રૂ. ૨૩,૮૭૧ કરોડ વ્યાજ પેટે ચૂકવવાની છે એટલે કે, આ નવા દેવામાંથી વ્યાજની ચૂકવણીને બાદ કરતાં સરકાર પાસે વિકાસના નામે માંડ ૨૨,૬૩૦ કરોડની બચત રહેવાની છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા દેવા અને તેના ઉપર ચૂકવાયેલા વ્યાજની વાત કરીએ તો, ગત ૨૦૧૬-૧૭થી ૨૦૧૯-૨૦ના માત્ર ૪ વર્ષમાં ગુજરાત સરકારે, કુલ ૧,૪૧,૭૬૮ કરોડનું દેવું કર્યું છે અને તેના માટે કુલ રૂ. ૭૯,૪૯૭ કરોડનું વ્યાજ ચૂકવ્યું છે. જ્યારે હવે, આગામી વર્ષ ૨૦૨૦-૨૧ના નવા નાણાકીય વર્ષમાં પણ રાજ્ય સરકાર રૂ. ૪૬,૫૦૧ કરોડનું દેવું કરશે. જેના કારણે સરકારનું કુલ દેવું રૂ. ૨,૯૬,૨૬૮ કરોડ થશે. જેના ઉપર સરકાર એક જ વર્ષમાં ૨૩,૮૭૧ કરોડનું વ્યાજ ચૂકવશે. ૨૦૧૬-૧૭ના વર્ષમાં સરકારે, નવું રૂ. ૨૭,૬૬૮ કરોડનું દેવું કર્યું હતું અને કુલ દેવા ઉપર વાર્ષિક રૂ. ૧૭,૭૯૭ કરોડનું વ્યાજ ચૂકવ્યું હતુ એટલે કે, સરકાર પાસે તો, વિકાસના કામ માટે માત્ર રૂ. ૯૮૭૧ કરોડ જ બચ્યાં હતા. એવી જ રીતે વર્ષ ૨૦૧૭-૧૮માં સરકારે રૂ. ૨૬,૯૫૩ કરોડનું દેવું કર્યું હતુ તથા કુલ દેવા ઉપર ૧૮,૯૫૪ કરોડનું વ્યાજ ચૂકવ્યું હતુ એટલે સરકાર પાસે નવા દેવાની રકમમાંથી માત્ર રૂ. ૭૯૯૯ કરોડ બચ્યાં હતા. વર્ષ ૨૦૧૮-૧૯માં સરકારે રૂ. ૪૩,૧૪૬ કરોડનું દેવું કર્યું હતું તથા આ વર્ષમાં કુલ દેવા ઉપર રૂ.૨૦,૧૮૩ કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું એટલે સરકાર પાસે તો માંડ રૂ. ૨૨,૯૬૩ કરોડની રકમ બચી હતી. ચાલુ ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં સરકારે રૂ. ૪૪,૦૦૧ કરોડનું નવું દેવું કર્યું છે અને દેવા ઉપર કુલ ૨૨,૫૬૩ કરોડની વ્યાજ પેટે ચૂકવણી કરી છે એટલે કે, સરકારના હાથમાં વિકાસ કામો માટે રૂ. ૨૧,૪૩૮ કરોડ જ રહ્યાં છે. હવે સરકાર નવા ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં રૂ. ૪૬,૫૦૧ કરોડનું નવું દેવું કરીને દેવા ઉપર કુલ રૂ. ૨૩,૮૭૧ કરોડની વ્યાજ પેટે ચૂકવણું કરવાની છે ત્યારે હવે, સરકારના હાથમાં નવા વર્ષમાં પણ માત્ર રૂ. ૨૨,૬૩૦ કરોડ રહેવાના છે. અર્થા સરકાર દ્વારા નવા દેવાની રકમમાંથી ચૂકવાનારા વ્યાજની રકમ કરતાં પણ ઓછી રકમ વિકાસના કામો માટે હાથ ઉપર રહેવાની છે.