ગુજરાતમાં CAAના અમલ માટે સરકાર કટિબદ્ધઃ પોલીસે કાર્યવાહી શરૂ કરી

Webdunia
ગુરુવાર, 14 માર્ચ 2024 (16:19 IST)
CAA Bill in gujarat
CAA કાયદો ભારતમાં આવેલા પીડિતોને નાગરિકતા આપે છે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી 
CAAના અમલથી પીડિતોના ઘરે દિવાળીનો માહોલ-કેન્દ્ર સરકારનો દિલથી આભાર માન્યો 
 
 કેન્દ્ર સરકારે તાજેતરમાં સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ-CAAનો કાયદો અમલી બનાવ્યો છે તે કાયદો કોઈપણ ભારતીયની નાગરિકતા છીનવતો નથી. આ કાયદો ભારતના પાડોશી દેશ પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી પારાવાર યાતનાઓનો ભોગ બનેલા અને ત્યાંથી ભારતમાં શરણ લેવા માટે આવેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મના પીડિતોને ભારતની નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે. આમાં હાલમાં ભારતમાં નિવાસ કરતાં કોઈપણ ધર્મના નાગરિકની નાગરિકતા લઇ લેવાની કોઈ જોગવાઈ નથી તેવી સ્પષ્ટતા કરતાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ગુજરાતમાં CAAના લાભાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું.
 
કોઈપણ કામ 100 ટકા પૂર્ણ કરવાની ગેરંટી
ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ કહ્યું હતું કે, અકલ્પનીય યાતનાઓ સહન કરીને પાડોશી દેશોમાંથી ભારતમાં આવીને વસેલા નાગરિકોનું ભારતીય નાગરિકતાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે, આજે તેમના ઘરે દિવાળી આવી છે. આ મોદી સરકારની ગેરંટી એટલે કે કોઈપણ કામ 100 ટકા પૂર્ણ કરવાની ગેરંટી છે.તમે બધા ગુજરાતમાં હવે સંપૂર્ણ સલામત-સુરક્ષિત છો તેમ તેમણે ઉમેર્યું હતું. CAA અંતગર્ત ભારતની નાગરિકતા સંદર્ભે નાના-મોટા પ્રશ્નોના ઝડપી-હકારાત્મક નિકાલ લાવવા યોગ્ય કક્ષાએ સંકલન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ અભ્યાસ કરીને અમલી બનાવાયેલા CAA કાયદાના ગુજરાતમાં ઝડપી અમલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેના માટે હાલમાં પોલીસ દ્વારા જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
 
પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકો ઉપસ્થિત રહ્યાં
આ અભિવાદન સમારોહમાં પાકિસ્તાનથી ભારતમાં આવેલા અને અમદાવાદ, મોરબી, રાજકોટ, મહેસાણા, કચ્છ તેમજ પાટણના રાધનપુરમાં સ્થાયી થયેલા પરિવારોમાંથી 107 જેટલા ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહીને કેન્દ્ર સરકાર દ્વારા 70 વર્ષ બાદ આ કાયદાના અમલ માટે નેતૃત્વ લેનાર વડાપ્રધાન મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહનો અંત:કરણ પૂર્વક આભાર માન્યો હતો. પાકિસ્તાનના કરાંચીથી વર્ષ 1990 માં અમદાવાદમાં આવેલા પીડિત ડિમ્પલબેન વાઘવાણી, રાજકોટમાં સ્થાયી થયેલા નાનુબાઈ તેમજ થરપારકર- મીઠીમાંથી આવેલા અને કચ્છના નખત્રાણામાં રહેતા મહેતાબસિંહ સોઢાએ પાકિસ્તાનમાં હિન્દુ પરિવારની બહેન-દિકરીઓ તેમજ હિન્દુઓ પર કરવામાં આવતા અત્યાચારો અંગે પોતાના દુઃખદ અનુભવો વર્ણવતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

સંબંધિત સમાચાર

Next Article