ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે. આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે.
રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના છ મોટા શહેરોમાં તારીખ ૧૧ એપ્રિલ થી તારીખ ૧૭મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ છે જે બિલકુલ અસત્ય અને ખોટો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આવા પત્રને સાચો નહીં માનવા અને ગેરમાર્ગે નહીં દોરાવા ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પત્ર કોણે વાયરલ કર્યો છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આવો કોઈ પણ પત્ર સોશિયલ મીડિયા મારફતે આપના સુધી આવે તો તેને વાયરલ નહીં કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.