અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનો હાલ હાઉસફુલ દોડી રહી છે. 1700 જેટલા પેસેન્જરોની ક્ષમતા ધરાવતી આ ટ્રેનો હાલ 2500થી વધુ પેસેન્જરો સાથે દોડી રહી છે. જેમાં રિઝર્વેશનવાળા પેસેન્જરોની સાથે દરેક ટ્રેનમાં 500 જેટલાં વેઈટિંગ લિસ્ટેડ તેમજ 300થી વધુ પેસેન્જરો ટિકિટ વગરના મુસાફરી કરી રહ્યાં છે.અમદાવાદથી ઉત્તર ભારત તેમાં પણ બિહાર તરફ જતી ટ્રેનોમાં અસાધારણ ભીડ થઈ રહી છે અને કોચમાં ક્યાંય પગ મુકવાની જગ્યા મળતી નથી. સામાન્ય રીતે દરેક ટ્રેનમાં જો 12 સ્લીપર, 4 થર્ડ એસી, બે સેકન્ડ અને 4 સીટિંગ કોચ ગણીએ તો પેસેન્જરોની સંખ્યા 1700 જેટલી થાય, તેની સાથે જ દરેક ટ્રેનમાં 700-800 જેટલું વેઈટિંગ ચાલે છે. વેઈટિંગ ટિકિટ ધરાવતા 50 ટકાથી વધુ પેસેન્જરો મુસાફરી કરવા ટ્રેનમાં પહોંચી જાય છે.હજુ રેલવેએ જનરલ ટિકિટની સુવિધા શરુ ન કરી હોઇ, દરરોજ મોટી સંખ્યામાં પેસેન્જરો સ્ટેશને પહોંચીને જનરલ ટિકિટ ન મળતા પ્લેટફોર્મ ટિકિટ લઈ ટ્રેનમાં બેેસી જાય છે, તેમની પાસે પ્લેટફોર્મ ટિકિટ હોવાથી પેનલ્ટી ઓછી થાય છે. જો પ્લેટફોર્મ ટિકિટ ન હોય તો ભાડું અને ભાડા જેટલી રકમ પેનલ્ટી પેટે વસૂલાય છે પણ જો પ્લેટફોર્મ ટિકિટ હોય તો પેનલ્ટી 50 ટકાથી ઓછી થઈ જાય છે. જેથી હાલમાં દરરોજ 9000થી વધુ પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે. જેમાંથી માંડ 20 ટકા લોકો પેસેન્જરના સંબંધી હોવાથી તેઓ મુકીને પરત ફરે છે, બાકીના ટ્રેનમાં મુસાફરી માટે તેનો ઉપયોગ કરે છે.ઉત્તર ભારતની ટ્રેનો હાઉસફુલ છે ત્યારે રિઝર્વેશનથી વંચિત રહેલા લોકો મોટી સંખ્યામાં તત્કાલ ટિકિટ માટે દરરોજ વહેલી સવારથી રિઝર્વેશન સેન્ટરની બહાર લાઈનો લગાવે છે. બુકિંગ કાઉન્ટર પર ઘર્ષણ ન થાય તે માટે આરપીએફનો પોઈન્ટ મુકાયો છે અને ટોકન અપાય છે. સવારે 10 વાગે એસી, 11 વાગે સ્લીપર-સીટિંગ કોચનું બુકિંગ શરૂ થાય છે.