કોંગ્રેસના આક્ષેપો પર નીતિન પટેલનો જવાબ, ભાજપના ધારાસભ્ય ખરીદવા કોંગ્રેસ દ્વારા ઓફર કરાઈ, સમય આવે જાહેર કરવામાં આવશે

Webdunia
બુધવાર, 21 ઑક્ટોબર 2020 (18:54 IST)
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક પુરી થયા બાદ રાજ્યના ડેપ્યૂટી સીએમ એ કોંગ્રેસના આક્ષેપો પર જણાવ્યું હતું કે, કોંગ્રેસની પાસે કોઈ મુદ્દો નથી. એટલે પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસ પાસે કોઈ કામ રહ્યું નથી. નીતિન પટેલે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય ખરીદવા કોંગ્રેસ દ્વારા ઓફર કરાઈ હતી. રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોને ઓફર કરાઈ હોવાનો ઘટસ્ફોટ નીતિન પટેલે કર્યો છે, જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે અમારા ધારાસભ્યોને પક્ષ વિરૂદ્ધ મતદાન કરવા ઓફર કરાઈ હોવાની વાત કરી છે. કોંગ્રેસ પાસે આક્ષેપ કરવા સિવાય કશું નથી. જૂથબંધીથી નારાજ ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. કોંગ્રેસમાં મોટો આંતરિક કલંહ જ બધા મુદ્દાઓનું જડ છે.
 
ભરતસિંહ સોલંકીને કોંગ્રેસના પ્રથમવાર રાજ્યસભા ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોમાં એ વખતે અસંતોષ ઉભો થયો હતો. રાજીવ શુક્લા અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ભરતસિંહ સોલંકીને પસંદ નહોતા કર્યા, ત્યારે કોંગ્રેસના સિનિયર ધારાસભ્યોએ બળવો કર્યો હતો. અમિત ચાવડાને યાદ કરાવવું જરૂરી છે. કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યોએ પણ અમારા ધારાસભ્યોને ઓફર કરી હતી, તે તમામ વસ્તુઓની જાણકારી અમારી પાસે છે. કોંગ્રેસે અમારા કયા ધારાસભ્યને કેટલી રકમની ઓફર  કરી છે તે સમય આવે ત્યારે જાહેર કરવામાં આવશે, હાલ એ સમય નથી. 

સંબંધિત સમાચાર

Next Article