રાજ્યમાં પશુ ક્રુરતા અધિનિયમનો અમલ રાજ્ય સરકારે વર્ષ 2020થી શરૂ કર્યો છે અને તે હેઠળ તમામ પેટ શોપ અને ડોગ બ્રીડીંગ તેમજ માર્કેટીંગની પ્રવૃત્તિઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત હોવા છતાં સરકારને એક વર્ષ પછી યાદ આવ્યું છે કે કોઇપણ સંસ્થા દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી. જેના પગલે આવી સંસ્થાઓ સામે કાર્યવાહીની ચિમકી અપાઇ છે. સંયુક્ત પશુપાલન નિયામકની યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ડોગ બ્રિડીંગ અને માર્કેટીંગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને વેપારીઓએ ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ ખાતે તેમના ફર્મની નોંધણી કરવાની રહેશે. ફર્મના રજિસ્ટ્રેશન વગર કોઇ પેટ શોપ પણ ચલાવી શકાશે નહીં. 5 હજાર રૂપિયાની નોંધણી ફી સાથે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. વર્ષ 2020થી આ નોંધણી ફરજિયાત કરવામાં આવી હોવા છતાં રાજ્યમાં આ વ્યવસાય કરતા વેપારીઓ, વ્યક્તિઓએ તેમના ફર્મનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોવાથી આકસ્મિક તપાસ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પેટ શોપ અને ડોગ બ્રિડીંગ એન્ડ માર્કેટીંગનો વ્યવસાય કરવા સ્થાનિક પ્રશાસન પાસેથી મેળવેલી મંજૂરી પણ રદ કરવાની કાર્યવાહી કરાશે.