અમરનાથમાં વરસાદ અને બરફના વિઘ્ન વચ્ચે ઓક્સિજન લેવલ ઘટી ગયા બાદ ઘોડા પરથી પડી જતાં વડોદરાના 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને ગત રાત્રે કાર્ગો પ્લેનમાં શ્રીનગરથી વાયા મુંબઇથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો.
આજે વહેલી સવારે મૃતદેહ વડોદરાના વેમાલી ગામમાં લાવવામાં આવ્યો હતો. રાજેન્દ્રભાઈની અંતિમયાત્રામાં સ્વયંભૂ આખું ગામ જોડાયું હતું. અકાળે અવસાન થતાં આખું ગામ શોકમગ્ન બની ગયું છે. અમરનાથ યાત્રામાં વડોદરાથી ગયેલા અનેક લોકો અટવાઈ ગયા છે, જેમાં વડોદરાના છેવાડે આવેલા વેમાલી ગામના 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મોત થયું છે. રાજેન્દ્ર ભાટિયાનું અવસાન થતાં તેમનો મૃતદેહ કાર્ગો પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યો હતો. જોકે અમરનાથ યાત્રામાં પરિવારના મોભીએ જીવ ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
રાજેન્દ્રભાઈની અંતિમયાત્રામાં પરિવારજનોના આક્રંદથી ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.મૃતક રાજેન્દ્રભાઈ ભાટિયાના ભત્રીજા પીયૂષ ભાટિયાએ જણાવ્યું હતું કે મારા કાકા રાજેન્દ્ર ભાટિયા સતત સાતમી વખત અમરનાથ યાત્રાએ ગયા હતા, જ્યાં પંચતરણીમાં તેમની તબિયત લથડી હતી, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. મારા કાકાએ 6 વખત અમરનાથ યાત્રા પૂર્ણ કરી હતી અને આ સાતમી અમરનાથ યાત્રા પણ તેમણે પૂરી કરી હતી. યાત્રા પૂરી કરીને તેઓ ઘરે પરત આવવાના હતા, પરંતુ તેમનું મૃત્યુ થતાં તેઓ ઘરે પરત આવી શક્યા નહોતા. આજે તેમનો મૃતદેહ અમારા ઘરે પહોંચ્યો છે. મારા કાકાનો મૃતદેહ ઘરે લાવવા માટે સરકાર અને સાઈન બોર્ડે ખૂબ જ મદદ કરી હતી, પરંતુ મારા કાકાના પરિવારમાં તેમની પત્ની બે દીકરી અને દીકરો હોવાથી તેમને સહાયની ખૂબ જ જરૂરિયાત છે, જેથી સરકાર તેમને સહાય કરે તેવી માગણી છે.