દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવાસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે બંધારણ ઘડવા જેગોલ ગામમાં આ નિયમો બનાવ્યા છે. દાંતીવાડાના 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કુંવારી છોકરીઓના મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ઉપરાંત જે દીકરી કોઈની સાથે જતી રહે તેમાં પિતાને 1.50 લાખ જ્યારે દીકરાના પિતાને 2 લાખનો દંડ ફરજિયાત ભરવા સહિત કેટલાક નિર્ણયો લઈ 9 મુદ્દાનુ બંધારણ બનાવ્યું છે. દાંતીવાડાના જેગોલમાં રવિવારે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી. જેમાં તમામ પ્રસંગોમાં ડીજે અને ફટાકડા બંધ કરવા, સામાજિક વ્યવહારોમાં ઓઢામણી, વાસણ પ્રથા બંધ કરી રોકડ વ્યવહાર કરવા, મરણ વખતે કફન નજીકના સગા લાવે બીજા કોઈ લાવે નહીં, વરઘોડા બંધ છે અને બહારથી જાન આવે તો તેના વરઘોડા કરવા નહીં, જે ઘરમાં ભાઈ ભાઈમાં વિખવાદ હોય ત્યાં જ્યાં સુધી રાજીપો ન થાય ત્યાં સુધી પરિવારજનોએ પ્રસંગમાં જવું નહીં જેવા આવકારદાયક નિર્ણયો લેવાયાં હતા પરંતુ ક્ષત્રિય સમાજે કુંવારી છોકરીઓને મોબાઇલ આપવો નહિ અને જો મોબાઇલ પકડાશે તો તેની જવાબદારી તેના માતા પિતાની રહેશે, તેમજ જે કોઈ છોકરી સમાજને નીચું જોવા જેવું કૃત્ય કરશે તો તેની જવાબદારી તે પરિવારની રહેશે અને માતા-પિતાને બંધારણ મુજબ દોઢ લાખ જ્યારે છોકરાના માતા-પિતાને બે લાખ ચૂકવવાના રહેશે. જેવા 2 વિવાદાસ્પદ નિર્ણયો પણ લીધા હતા. જે મામલે ઠાકોર સમાજના આગેવાનોને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ મામલે વિગત જાણીને પ્રતિક્રિયા અપાશે. જ્યારે વાવ ધારાસભ્ય અને ઠાકોર સમાજના મહિલા આગેવાન ગેનીબેને મોડા ફોન કરો તેમ કહી ફોન કટ કરી દીધો હતો.