નાનુ કુમળું બાળક જોઈને ભલભલાનું હૃદય પીગળી જાય છે. દાદા માટે પૌત્ર વ્યાજ સમાન હોય છે. પરંતુ એક સસરાએ તેમની પુત્રવધૂને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તારુ બાળક એ મારુ પૌત્ર નથી અને મારા દિકરાનું સંતાન નથી. સસરાના શબ્દો સાંભળીને સમસમી ઉઠેલી પરીણિતાએ દવા ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાળક એક દિવસ પણ ઘરથી દૂર થયું નથી તે બાળકને લઈને પરીણિતા આમ તેમ ફરી રહી છે. મહિલાએ તેના સાસરિયાઓ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પરીણિતાને સાસરિયાઓ ત્રાસ આપતાં હતાં
પ્રાપ્ત વિગતો શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષની પરીણિતાના લગ્ન 2017માં તેના સમાજના એક યુવક સાથે થયાં હતાં. લગ્નના બે વર્ષ બાદ પરીણિતા ગર્ભવતી થતાં તેના સાસરિયાઓએ નાની નાની વાતોમાં મહેણાં ટોણાં મારવાના શરૂ કર્યાં હતાં. તે ઉપરાંત પતિ પણ તેને વારંવાર નાની બાબતોમાં મારઝૂડ કરતો હતો. સાસરિયાએ ગર્ભવતિ મહિલાને પુરતુ જમવાનું આપતા નહોતા. જેથી તેનું પહેલું સંતાન કુપોષિત જનમ્યું હતું.
સાસરિયાઓએ પરીણિતાને ઘરમાંથી કાઢી મુકી
ઘર સંસાર ન બગડે તે માટે પરીણિતા ઘરનો અત્યાચાર સહન કરતી હતી. સાસરરિયા અવારનવાર હેરાન કરી ઘરમાંથી નીકળી જવા ધમકી આપતા હતાં. તેનો દિકરો ચાર માસનો થયો ત્યારે તેની સાથે ઝગડો કરીને તેને ઘરમાંથી કાઢી મુકતાં તે પિયર આવી ગઈ હતી. જો કે પછી પતિ તેને પરત સાસરે લઈ ગયો હતો. ત્યાર બાદ કાકા સસરા પતિની ચઢામણી કરતાં હતાં. તેઓ કહેતા હતાં કે તુ પિયર કોને મળવા જાય છે તેની મને બધી જ ખબર છે. તું ફરીથી કેમ સાસરીમાં આવી ગઈ તેની પણ મને ખબર છે.
પરીણિતાનો પતિ પિતાની દુકાનમાં મજુરી કરતો હતો
સસરાએ પરિણીતાને અલગ રહેવાનું કહ્યું હતું. જેથી તેઓ અલગ રહેવા ગયા હતા. જો કે, ફ્લેટની હાલત ખરાબ હોવાથી તે પરત પિયર રહેવા જતી રહી હતી. જ્યારે પતિ સસરાની દુકાનમાં જ મજૂરી કરતો હતો અને તેને 300 રૂપિયા રોજના મળતા હતા. જેથી પરિણીતાએ સસરાને રોજના પૈસા વધારવા કહ્યું હતું ત્યારે સસરાએ ઝઘડો કરી કહ્યું હતું કે, તુ સારી નથી અને તારો દિકરો એ મારા દિકરાનો નથી બીજા કોઇનો છે. આ વાતનું લાગી આવતા પરિણીતાએ દવા ખાઇ લીધી હતી. જેથી તેને તાત્કાલીક શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે પરિણીતાએ પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.