રાજસ્થાન ફરવા ગયેલા વડોદરાના પરિવારની કાર પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ, પતિ-પત્ની અને પુત્રનાં મોત

શુક્રવાર, 12 નવેમ્બર 2021 (14:34 IST)
દિવાળી વેકેશનમાં વડોદરાથી જેસલમેર ફરવા જઇ રહેલા પરિવારની કાર ગુરુવારે રાત્રે જેસલમેરના ફતેહગઢ પાસે આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના 3 લોકોનાં મોત થયાં હતાં, જેમાં પતિ-પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે. જ્યારે 2 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે બાળકને સામાન્ય ઇજા પહોંચી હતી. વડોદરાના છાણી ટીપી-13 વિસ્તારમાં રહેતા જયદ્રથભાઈ (ઉં.વ.55) તેમના પત્ની આમિત્રી દેવી (ઉં.વ.52), બે પુત્ર નીતિનભાઈ (ઉં.વ.30) અને સત્યેન્દ્રભાઈ (ઉં.વ.35) તેમજ પુત્રવધુ શિવમ કુમારી (ઉં.વ.29) અને પૌત્ર વિવાન (ઉં.વ.6) અર્ટિગા કારમાં જેસલમેર ફરવા જઈ રહ્યાં હતાં. દરમિયાન ગુરુવારે રાત્રે તેમની કાર આગળ જઈ રહેલી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી, જેમાં જયદ્રથભાઈ, આમિત્રી દેવી અને નીતિનભાઈનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને મોડી રાત્રે જવાહર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેસીબીની મદદથી કારમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.અકસ્માતમાં સત્યેન્દ્રભાઈ અને શિવમકુમારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે 6 વર્ષના વિવાનને સામાન્ય ઇજા થઇ હતી. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ બનાવની જાણ વડોદરા સ્થિત પરિવારને થતાં તેઓ જેસલમેર જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ ટ્રોલીનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.ગઇકાલે ગુરુવારે વડોદરા નજીક પાદરા-જંબુસર રોડ મહાકાળી મંદિર પાસે પેસેન્જર ભરેલો ટેમ્પો પલટી ખાઇ ગયો હતો, જેમાં નાનાં બાળકો સહિત 14 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો જન્મદિવસની ઉજવણીમાં જતા હતા. ટેમ્પોચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો એ ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર