કોરોના પોઝિટિવ કેસ મામલે 24 દિવસ પછી ગુજરાત ભારતમાં ત્રીજા સ્થાને

Webdunia
શુક્રવાર, 15 મે 2020 (14:15 IST)
ગુજરાતમાં હાલ સાજા થઇને જઇ રહેલાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તેથી સરેરાશ રિકવરી રેટ ખૂબ ઊંચો આવ્યો છે. આ તરફ ગુરુવારે સાંજે પાંચ વાગ્યે પૂરા થયેલાં 24 કલાક દરમિયાન રાજ્માં કુલ નવા 324 કેસ નોંધાતા કુલ આંકડો 9,592 પર પહોંચ્યો છે. પરંતુ તામિલનાડુમાં પણ હાલ પોઝિટિવ કેસની સંખ્યા વધતાં હવે સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી ધરાવતા રાજ્યોની સ્થિતિએ ગુજરાત હવે બીજેથી ખસીને ત્રીજે આવ્યું છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા જોઇએ તો હાલ ગુજરાત સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હી બાદ ચોથા ક્રમે છે. ગુજરાતનો રિકવરી રેટ 38.43 ટકા છે જે દેશમાં અગિયારમાં સ્થાને છે. ગુરુવારે રાજ્યમાં કુલ 191 લોકોને ડિસ્ચાર્જ અપાયા અને અત્યાર સુધીમાં તે આંક 3,753 થયો છે. આ ઉપરાંત વધુ વીસ લોકોના મૃત્યુ સાથે હવે કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીનો આંકડો 586 પર પહોંચ્યો છે જે સમગ્ર દેશમાં બીજા સ્થાને છે તથા તેનો દર 6.11 ટકાનો છે. હાલ ગુજરાતમાં કુલ 5,253 દર્દીઓ એક્ટિવ છે એટલે કે વિવિધ સ્થળોએ સારવાર હેઠળ છે. તે પૈકી કુલ 5,210 દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ઘણાં વખતથી પોરબંદરમાં દર્દીઓ સાજા થતાં જિલ્લો કોરોના મુક્ત થઇ ગયો હતો, પરંતુ આજે એક નવો કેસ નોંધાયો હતો. અગાઉ ગઇ 21 એપ્રિલે ગુજરાત 2,178 પોઝિટિવ કેસ સાથે સમગ્ર દેશમાં બીજા સ્થાને સૌથી વધુ કેસ ધરાવતું રાજ્ય બન્યું હતું. તે પૂર્વે 19 એપ્રિલે ગુજરાત ત્રીજા સ્થાને પહોંચ્યું હતું અને તે દિવસે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 હતી. આમ 24 દિવસ બાદ ફરી ગુજરાત સમગ્ર દેશમાં ફરી ત્રીજા સ્થાને આવ્યું છે.
 

સંબંધિત સમાચાર

Next Article