ભારત-પાકિસ્તાનની સરહદે સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બે દિવસ બાદ અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડશે. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ડિગ્રી વધીને 30.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી વધીને 14ડિગ્રી નોંધાયું હતું. જેથી શહેરમાં દિવસ દરમિયાન હુંફાળું વાતાવરણ રહ્યું હતું. બે દિવસ વાદળિયા વાતાવરણ સાથે ઠંડીમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ છવાશે, ત્યારબાદ 24 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી વધતા ઠંડીમાં ઘટાડો અનુભવાશે. જોકે, આ પછી 3 દિવસ સુધી લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે. ' અમદાવાદમાં 14 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.8 ડિગ્રી જ્યારે 29 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 ડિગ્રીનો વધારો થયો હતો.અમદાવાદમાં 24થી 26 જાન્યુઆરી દરમિયાન તાપમાન 10 ડિગ્રી સુધી જઇ શકે છે. બુધવારે રાત્રે નલિયા 6 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. રાજ્યમાંથી અન્યત્ર કેશોદમાં 9.8, વલસાડમાં 10.5, અમરેલીમાં 11, ગાંધીનગરમાં 11.5, રાજકોટ-પોરબંદરમાં 12.2, ડીસા-દીવમાં 13, ભૂજમાં 13.2, સુરેન્દ્રનગરમાં 14.5, ભાવનગરમાં 15.9, વડોદરામાં 16 અને સુરતમાં 17.4 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.