ભાજપના સંકટમોચક કહેવાતા શિક્ષણમંત્રી ચુડાસમાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

Webdunia
મંગળવાર, 13 નવેમ્બર 2018 (12:09 IST)
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન કાઢી નાખવાના ચુડાસમાની દાદને હાઇકોર્ટે ફગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે પણ રાહત આપી નથી. જેથી અશ્વિન રાઠોડે કરેલી પિટિશન પર આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. કોંગ્રેસના અશ્વિન રાઠોડે હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી હતી કે, ભાજપાના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતે વિજયી બન્યા છે. જોકે આ ચૂંટણીમાં જીત માટેના મહત્વના 429 જેટલા પોસ્ટલ બેલેટને ચૂંટણી અધિકારીએ રદ્ કર્યા હતા. 
જો તે રદ્ કરવામાં ન આવ્યા હોત તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જીતી શક્યા ન હોત. ચૂંટણી જાહેર થઇ ત્યારે ધોળકાના ડેપ્યુટી કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિ હતા જ્યારે આચારસંહિતા અમલમાં આવ્યા બાદ તેમને બદલીને ધવન જાનીને તે પદ પર મૂકવામાં આવ્યા હતા. ચૂંટણી પંચની સૂચના પ્રમાણે ઇવીએમના મતોની ગણતરી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવી ફરજિયાત છે તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. જ્યારે ઇવીએમમાં બંને ઉમેદવારો વચ્ચે નજીવો તફાવત હોવાને કારણે પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી.
આ પિટિશન કરવાનો ઉમેદવારને હક નહીં હોવાની તેમજ તેમની પિટિશન રદ્ કરવા માટે ભૂપેન્દ્ર ચુડાસમાએ રજૂઆત કરી હતી.તેમજ આ પિટિશન કાયદાકીય રીતે ચલાવવા લાયક નહીં હોવાની પણ રજૂઆત કરી હતી. જો કે હાઇકોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી હતી. જે હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ સામે સ્ટે આપવાનો પણ ઇન્કાર કરી આ અરજી ફગાવી દીધી હતી.

સંબંધિત સમાચાર

Next Article