BRTSના તમામ અધિકારીઓની સામૂહિક બદલીઓથી મ્યુનિપાલિટીમાં સન્નાટો

Webdunia
રવિવાર, 1 ડિસેમ્બર 2019 (10:25 IST)
અમદાવાદ મ્યુનિ.ની બીઆરટીએસની બસોનો વહીવટ કરતી જનમાર્ગ લી. કંપનીના 'હમ નહીં સુધરેંગે'ના મંત્રને વરેલા તમામ અધિકારીઓની કમિશનરે એક ઝાટકે સામૂહિક બદલીઓ કરી નાખતા કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓમાં સન્નાટો વ્યાપી ગયો છે.

આજે કમિશનરે બેથી અઢી કલાક બીઆરટીએસની જુદી જુદી બસોમાં પ્રવાસ કર્યા બાદ તેમના મનમાં ગેરવહિવટની છાપ ઉભી થઈ હતી, જેના આધારે સજાના ભાગરૂપે તમામની બદલીઓ કરી અન્ય ખાતાઓમાં મુકી દીધાં છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લે તેઓ મુસાફરી કરતાં તે બસ કાંકરિયા નજીક ખોટવાઈ પણ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાંજરાપોળ નજીક થયેલાં જીવલેણ અકસ્માત બાદ કમિશનરે બીઆરટીએસના ઉચ્ચ અધિકારીઓને બોલાવીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો અને ચોક્કસ દિવસોમાં બસના વ્યવસ્થાપનને સુધારી કાઢવા તાકીદ કરી હતી.

પરંતુ આજના પ્રવાસ દરમ્યાન તેમને ખાસ સુધારો નહીં થયો હોવાનું જણાતા આકરૂં પગલું લીધું હતું. કેટલાંક અધિકારીઓ વચ્ચે અંદરોઅંદર મનમેળ ના હોવાથી ધાર્યું પરિણામ આવી શક્યું નથી, તેવી માહિતી પણ કમિશનર સુધી પહોંચી હતી.

આજે બીઆરટીએસ બસમાં કરેલાં પ્રવાસ અંગે પૂછતાં કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ચાર રસ્તા અને કોરિડોરમાં સામસામે આવવા-જવા પડતાં કટની જગ્યાઓ પર સુરક્ષાના વધુ પગલાં લેવાની જરૂર છે. આવા સ્થળે દ્વિચક્રી વાહનવાળાઓ વધુ ઉતાવળ કરતાં હોવાની પણ છાપ પણ પડી છે.

અકસ્માત વખતે કોનો વાંક હતો તે પ્રશ્નનો ઝડપથી નીવેડો આવે તે માટે બસના ડેસબોર્ડ પર જ ખાસ પ્રકારના કેમેરા લગાવવાનું નક્કી થયું છે. અકસ્માતોની બાબતે ઝીરો ટોલન્સનો નિર્ણય લેવાયો છે. આ માટે ક્રમબદ્ધ પગલાં લેવાઈ રહ્યાં છે. બીઆરટીએસના જનરલ મેનેજર દિપક ત્રિવેદીને સ્માર્ટસિટી કંપનીમાં મુકાયા છે. જ્યારે તેમનો ચાર્જ મકરબા-વેજલપુર વોર્ડના આસી. કમિશનર વિશાલ પન્નામાને તેમની હાલની કામગીરી ઉપરાંત વધારાનો અપાયો છે.

સંબંધિત સમાચાર

Next Article