વધુ દંડ આપવા માટે તૈયાર રહો, હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી વાહનો ટોઈંગ કરીને દંડ વસૂલશે
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (14:10 IST)
વધુ દંડ આપવા માટે તૈયાર રહો, હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી વાહનો ટોઈંગ કરીને દંડ વસૂલશે શહેરમાં રોડ-રસ્તા, ડ્રેનેજ, પાણીની અનેક સમસ્યાઓને લઈ નાગરિકોની ફરિયાદો હોય છે પરંતુ હવે મ્યુનિ.ના અધિકારી-કર્મચારીઓને જાણે હવે આ બાબતો સામાન્ય લાગી રહી છે અને પ્રજાની વાત સાંભળવા પણ તૈયાર નથી. મ્યુનિ.માં અરજદારોની પગની પાનીઓ ઘસાઈ ગયા બાદ ફરિયાદનો નિકાલ આવતો નથી ત્યારે મ્યુનિ. હવે ટ્રાફિક પોલીસની કામગીરી કરશે તેવા વિવાદાસ્પદ પરિપત્રથી કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ વાત એમ છે કે હવે મ્યુનિ. ટ્રાફિકના નિયમ ભંગ કરનાર વાહન માલિકો સામે દંડાત્મક પગલા ભરશે. આખી કામગીરીનું મોનીટરીંગ માટે આસી. મ્યુનિ. કમિશનરની નિમણૂંક કરવામાં આવી છે. અમદાવાદમાં જે તે વિસ્તારની સબઝોનલ કચેરીના આસી. એ.ઓ. અને ટી.ડી.ઓ.એ પોતાના વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર ગેરકાયદે પાર્કિંગ થતા ટુ વ્હીલર- ફોર વ્હીલરને ઉપાડી લઈ વાહનોના માલિકો સામે દંડાત્મક કડક પગલાં ભરવામાં આવશે. આ કામગીરીનો વિગતવાર અહેવાલ દર અઠવાડિયે મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂ કરવાનો રહેશે. આ પરિપત્રને લઈ મ્યુનિ. કચેરીમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે પ્રજાની સુવિધાલક્ષી ફરિયાદોનો નિકાલ થવાના બદલે ભરાવો થતો જાય છે. ત્યાં હવે મ્યુનિ.ને વાહનો ટોઇંગ કરવાની જવાબદારી સોંપાઈ છે. જે કામગીરી પોલીસની છે તે મ્યુનિ.ના કર્મચારીઓ-અધિકારીઓને સોંપવામાં આવી છે. તે કેટલે અંશે યોગ્ય છે એક તરફ હાલમાં ટ્રાફિકા નવા નિયમોને લઈ નાગરિકો પોલીસથી ત્રસ્ત છે. તો હવે મ્યુનિ.ના અધિકારીઓની પરેશાનીનો ભોગ બનવું પડશે. આમ શહેરમાં વસતા નાગરિકોને યેનકેન પ્રકારે પરેશાન કરી પૈસા ખંખેરવાની નીતિ મ્યુનિ.એ ઘડી છે.