એફેડ્રીન ડ્રગ કેસમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત 5 જણને 10 વર્ષની સજા અને 2 લાખનો દંડ

Webdunia
સોમવાર, 7 ઑક્ટોબર 2019 (17:38 IST)
268 કરોડના એફેડ્રીન ડ્રગ્સ મામલે પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત 5 લોકોને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 વર્ષની જેલ અને બે લાખનો દંડ ફટકાર્યો છે. ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતાં 1339.250 કિલો એફેડ્રીન માદક પદાર્થનો જથ્થો એડી સ્ટીલ ફેક્ટરી પાસેની કેમિકલ શેડમાં રેડ કરતા મળ્યો હતો. જેમાં આરોપીઓને પકડીને એનડીપીએસનો ગુનો દાખલ કરાયો હતો. કોર્ટે કિશોરસિંહ ભાવસિંહ રાઠોડ, ભરતસિંહ રણજીતસિંહ કાઠીયા, પૂનિત રમેશ શ્રિન્ગી, જય ઉર્ફ જય મૂલજી મુખી તથા મનોજ તેરાજ જૈનને અમદાવાદ ગ્રામ્યના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે 10 વર્ષની કેદ અને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન કરીને 2016માં એપ્રિલ મહિના અંતમાં વહેલાલ જીઆઈડીસીમાંથી 268 કરોડનું એફેડ્રીન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. કેસની તપાસમાં કિશોર ભાવસિંહ રાઠોડ ડ્રગ્સને યુરોપીય દેશોના ડ્રગમાફિયાઓ સુધી પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે યુરોપીય દેશોના ડ્રગમાફિયાઓ અને કિશોર રાઠોડ વચ્ચેની મિટિંગ વિકી ગોસ્વામી ફિક્સ કરાવતો હોવાનું પણ સામે આ‌વ્યું હતું. જોકે ઘટના સામે આવતા કિશોર રાઠોડ અને તેનો પાર્ટનર જય મુખી બંને અંડરગ્રાઉન્ડ થતાં મહિનાઓ બાદ પકડાયા હતા.
વહેલાલ જીઆઇડીસીમાંથી ગુજરાત એટીએસ અને ક્રાઇમબ્રાંચના સંયુક્ત ઓપરેશનમાં 268 કરોડનું એફેડ્રીન ઝડપાયું હતું. આ કેસની તપાસમાં ગુજરાતમાં વિવિધ પક્ષોમાં રહી ચૂકેલા નેતા ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડનું નામ ખુલ્યું હતું. ઊંચા સંપર્કો ધરાવતો કિશોરસિંહે 10 મહિનાથી ફરાર હતો. 2017માં ગુજરાત એટીએસ દ્વારા રાજસ્થાન એમ પી બોર્ડર પરથી કિશોરની કડી મળતાં 15 દિવસથી વોચમાં રહેલી એટીએસની ટીમે જાન્યુઆરીના અંતમાં કિશોર સિંહની ધરપકડ કરી હતી. એટીએસની તપાસમાં ફરાર કિશોરસિંહ અંડરવર્લ્ડના પ્રોટક્શનમાં હોવાનો ખુલાસો થયો હતો. ઉપરાંત તે એક મહિનો ચંબલની ખાડીમાં પણ છૂપાયો હોવાનું સામે આવી રહ્યું હતું.
 
 

સંબંધિત સમાચાર

Next Article