એપોલો હોસ્પિટલની બેદરકારી:મહિલા દર્દીને ખોટી દવા આપતાં હોસ્પિટલે ભૂલ સ્વીકારી

Webdunia
મંગળવાર, 17 મે 2022 (09:38 IST)
અમદાવાદમાં ભાટ સ્થિત એપોલો હોસ્પિટલમાં ખોટી દવા અપાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. 32 વર્ષીય મહિલા દર્દીને પેટમાં તકલીફ હોવાથી 13 મેએ ડૉક્ટરને બતાવવા ગયાં હતાં. તેમને એક દિવસ દાખલ કરી અલગ અલગ રિપોર્ટ કરાવાયા હતા. જોકે આ દર્દીનાં સગાંએ આક્ષેપ કર્યો હતો કે, ડિસ્ચાર્જ સમરીમાં હોસ્પિટલે ખોટું પ્રિસ્ક્રિપ્શન આપ્યું હતું.

દર્દીનાં પતિ દિનેશભાઈએ કહ્યું કે, તેમણે પ્રિસ્ક્રિપ્શન વાંચતાં તેમાં અન્ય કોઈ દર્દીનું નામ લખેલું હતું. આ બાબતે તેમણે ડૉક્ટરને જાણ કરી હતી. તેમણે પૂછપરછ કરતા ધ્યાને આવ્યું કે, સ્ટાફની ભૂલને કારણે પ્રિસ્ક્રિપ્શન બદલાયું હતું. તેથી તેમની પત્નીએ દવાના બે હાઈ ડોઝ લઈ પણ લીધા હતા. આ અંગે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ પણ કરી છે.હોસ્પિટલના ડૉક્ટર શ્રવણ બોરાએ સ્ટાફની ભૂલ સ્વીકારી છે. સરતચૂકથી પ્રિસ્ક્રિપ્શન બદલાયું હતું. પ્રિસ્ક્રિપ્શન આધારે દર્દીએ દવાના બે ડોઝ લીધા છે તે પણ પેટને લગતી દવાઓ હોવાથી દર્દીને કોઈ નુકસાન થયું નથી છતાં આવી ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે હોસ્પિટલે તપાસ શરૂ કરી દર્દીની માફી માગી છે.

સંબંધિત સમાચાર

Next Article