સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે અને સુરતીઓ આજે હોસ્પિટલમાં બેડ મેળવવા તેમજ પોતાના સ્વજનો માટે રેમડેસિવિરના ઈન્જેક્શન માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા એક વર્ષથી 'દો ગજ કી દૂરી' જાળવવાનું કહી-કહીને થાકી ચૂક્યા છે. પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને તો જાણે વારંવાર ભીડ ભેગી કરવામાં મજા આવે છે.
અગાઉ ભાજપ પ્રમુખ બન્યા ત્યારે પોતાનું અભિવાદન કરાવવા અને પછી જિલ્લા-તાલુકા પંચાયતની રેલીઓમાં પાટીલે ભારે ભીડ ભેગી કરી હતી. તે પછી આજે ગુજરાતની શી હાલત થઈ છે તે બધા જોઈ રહ્યા છે. આમ છતાં આજે ફરી પાટીલે સુરતમાં આંબેડકર જયંતિની ઉજવણીના નામે ભીડ ભેગી કરી છે. રિંગ રોડ માન દરવાજા પાસે ડો.બાબા સાહેબ આંબેડકરના પૂતળાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે હરખપદૂડા થઈને ભાજપના નેતાઓ પહોંચી ગયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા પણ તેમજ અન્ય ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરો પહોંચ્યાં હતાં. કાર્યક્રમ સ્થળ ઉપર મોટી સંખ્યામાં એકત્રિત થઈને જાણે કોરોના સંક્રમણ ફેલાવવાનો સંકલ્પ કરી લીધો હોય તે રીતે વર્તી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણી સતત લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી રહ્યા છે. પરંતુ એ અપીલ માત્રને ભાજપના જ નેતાઓ ઘોળીને પી જતા હોય તેવું સામે આવ્યું છે.
હેમાલી બોઘાવાળા કોરોના સંક્રમિત થઈને સારવાર લઈને હમણાં જ સાજા થયા છે, છતાં પણ રાજકીય નેતાની જે તે વર્ગના લોકોને ખુશ કરવા માટે ની તાલાવેલીએ તેમને કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માટે મજબૂર કરી દે છે. શહેરના પ્રથમ નાગરિકની આ પ્રકારની બેદરકારી શહેરીજનો માટે શું બોધપાઠ આપે છે ,તે એક મોટો પ્રશ્ન છે. લોકો ગંભીરતાથી લે છે જ્યારે તેમનું નેતૃત્વ તે બાબતે વધુ ગંભીર હોય છે. શહેરના મેયર જ આ પ્રકારે સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરે તો અન્ય સામાન્ય પ્રજા પાસેથી તેના પાલનની આપણે કેટલી અપેક્ષા રાખી શકીએ.ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ પણ હોંશે હોશે કાર્યક્રમમાં હાજરી આપી જાણે તેમણે પણ નક્કી કર્યું હોય કે મીડિયા સમક્ષ જે વાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કરવામાં આવે છે.તેનું વાસ્તવિક પરિસ્થિતિઓમાં પાલન ન કરવાની માનસિકતા બનાવી લીધી છે. આપણે સર્વોપરી નેતા છીએ ત્યારે ભલેને આપણે સરકારની ગાઇડ લાઇનનું ઉલંઘન કરીએ તો એ આપણી સામે ક્યાં કોઈ દંડ ફટકારવાનો છે આ પ્રકારની માનસિકતા પણ હોય શકે છે.