લોકસભાની ચૂંટણીને આડે હવે બે તબક્કા બાકી છે. 23મી મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે એ સાથે જ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ રાજકીય સમીકરણો બદલાવાનું શરૂ થઇ જશે. સચિવાલયના આધારભૂત સૂત્રો જણાવે છે કે રાજ્યના મંત્રીમંડળમાં અને ભાજપ સંગઠનમાં ખૂબ જ મોટા ફેરફારો થશે. કેટલાક નવા ચહેરાને સ્થાન અપાશે તો હાલના અમુક મંત્રીઓની હકાલપટ્ટી કરાશે. હાલમાં સૌથી ચર્ચિત નામ છે તે કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું છે. અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. બીજીબાજુ અલ્પેશ ઠાકોરને ભાજપના જ કેટલાક નેતાઓ સાથે ઘરોબો હોવાની વિગતો પણ બહાર આવી ગઇ છે. જેથી એવું અનુમાન થઈ રહ્યું છે કે પરિણામની જાહેરાત બાદ ગમે તે સમયે અલપેશઠાકોર સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જશે. પરિણામ બાદ અલ્પેશ કદાચ ધારાસભ્ય પદેથી રાજીનામું પણ આપી દેશે અને કેબિનેટમાં તેનો સમાવેશ કરાશે, ત્યારબાદ તેઓ કુવરજી બાવળીયાની જેમ 6 મહિનામાં ફરીથી ચૂંટણી લડી ધારાસભ્ય બનશે. અલ્પેશ ઠાકોરની પાછળનું ગણિત એવું છે કે હાલના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર સરકારથી નારાજ ચાલી રહ્યા છે. એવી ચર્ચા છે કે તેમના વેવાઇ લીલાધર વાઘેલાની ટિકિટ ભાજપે કાપી નાખી હતી. આથી ચૂંટણીમાં લીલાધર વાઘેલા અને દિલીપ ઠાકોરે ભાજપના જ ઉમેદવારો હારી જાય એ રીતની કાર્યવાહી ખાનગી રાહે કરી હતી. પરંતુ આ બાબતની જાણ હાઇકમાન્ડને થઈ ગઈ છે. આથી દિલીપ ઠાકોરની પણ કેબિનેટમાંથી છુટ્ટા કરી દેવામાં આવે અને તેની જગ્યાએ એક ઠાકોર નેતા એટલે કે અલ્પેશ ઠાકોરને કેબિનેટ દરજ્જો આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા કદના કોળી નેતા અને રાજ્ય કક્ષાના મંત્રી પુરૂષોત્તમ સોલંકીને પણ મંત્રીમંડળમાંથી હાંકી કાઢવામાં આવશે કારણ કે તેઓએ પણ બેથી ત્રણ વખત જાહેરમાં ભાજપ હાઈકમાન્ડ સામે બળવો કર્યો હતો અને પોતાને કેબિનેટ પણ આપવાની માગણી પણ કરી હતી. ત્યારબાદ ભાજપે કોંગ્રેસના કોળી નેતા કુવરજી બાવળીયાને ભાજપમાં લાવીને કેબિનેટ મંત્રી બનાવી દીધા છે આથી હવે ભાજપને સોલંકીની કોઇ જરૂરિયાત નથી. ઉપરાંત કચ્છના રાજ્યકક્ષાના મંત્રી અને ચૂંટણી પહેલા કથિત સેક્સ કાંડની ઓડિયો ટેપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી તેવા વાસણ આહિરને પણ મંત્રીમંડળમાંથી પડતા મુકાશે એ બાબત નિશ્ચિત મનાઈ રહી છે. આમ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત સરકારમાં ધરખમ અને મોટા ફેરફારો થશે.