મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયેલા અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી હતી. અલ્પેશ કથીરિયાનો વરાછામાં ટ્રાફિક પોલીસ સાથે વિવાદ થયા બાદ અલ્પેશ વિરુદ્ધ ઉપરા-છાપરી 5 ગુનો નોંધાયા હતા. તેના આધારે પોલીસે સેશન્સ કોર્ટમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જે સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી. ત્યારબાદ અલ્પેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન પોલીસે તેને પકડવા માટે તેના ગામ અને સગા સંબંધીઓના ઘરે સર્ચ કરીને તેમના જવાબ લીધા હતા. દરમિયાન અલ્પેશ સુરતના વેલંજા ખાતે મિત્રના લગ્નમાં આવ્યો હોવાથી જાણ થતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી.અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી સુરત ખાતે આવેલી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લઈ જવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોર બાદ અલ્પેશને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને રાજદ્રોહ કેસમાં ફરી લાજપોર જેલમાં મોકલવામાં આવે તેની તૈયારી પોલીસ દ્વારા કરવામાં આવી છે.અલ્પેશ કથીરિયા પોલીસ પકડથી દૂર હતો અને પોલીસ દ્વારા તેના ગામ અને સગા સંબંધીઓના ઘરે સર્ચ કરીને તેમના જવાબ લેવામાં આવતા સોશિયલ મીડિયામાં બે ઓડિયો ક્લિપ વાઈરલ કરી હતી. અને અલ્પેશ ધરપકડ ટાળવા માટે વકીલ મારફત હાઈ કોર્ટમાં બચાવ માટે ક્રીમિનલ રિવિઝન અરજી કરી હતી. જે હાલ પેન્ડિંગ છે. પાસના કાર્યકરો દ્વારા અલ્પેશને જામીન મળે તે માટે ગવર્નર ઓ.પી. કોહલીને પત્ર લખીને મદદ માંગી હતી.